Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વિસાવદરમાં ૧.રપ કરોડનું બાયોડિઝલ ઝડપાયુ

જુનાગઢ તા. ર :.. વિસાવદરમાંથી તંત્રએ રૂ. ૧.રપ બાયોડિઝલ ઝડપાયા બાદ જુનાગઢ રેંજ એબ્સકોન્ડર સ્કવોડ અને સાયબ પોલીસે જુનાગઢ તેમજ વંથલી પાસે ફાયર સેફટી વગર બાયોડિઝલના વેંચાણનો પર્દાફાશ કરીને ધોરણસરની કાર્યવાહી હથ ધરી છે.

કલેકટર ડો. સૌરભ પારધી અને પ્રાંત અધિકારી તુષાર જોષીની સુચનાથી જિલ્લા પુરવઠા અધિકારી એન. ડી. કોવાણીના માર્ગદર્શન હેઠળ વિસાવદરના મામલતદાર એન. આઇ. બ્રહ્મભટ્ટ વગેરેએ વિસાવદરની રાજ ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડો પાડીને રૂ. ૧.રપ કરોડની કિંમતનો બાયોડિઝલનો ર.૩૧ લાખ લીટર જથ્થો સ્થગીત કર્યો હતો.

દરમ્યાન ડીઆઇજી મનિન્દરસિંઘ પવારની સુચનાથી સાયબર પોલીસ સ્ટેશનના પીઆઇ આર. વી. વાજા તથા પીએસઆઇ  એસ. જી. ચાવડા વગેરેએ મળેલ બાતમીના આધારે વંથલી નજીક કણઝા રોડ પર આવેલ દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ બાયોડીઝલ નામના પંપ પર દરોડો પાડયો હતો.

આ કાર્યવાહી દરમ્યાન રૂ. ૪ર૭૦૦ ની કિંમતના ૭૦૦ લીટર બાયોડિઝલનું જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. અને લુશાળાના પરમણ કરણાભાઇ ડાંગર નામના શખ્સની કુલ રૂ. ૬૭૭૦૦ ના મુદામાલ સાથે અટકાયત કરી હતી અને તેના વિરૂધ્ધ ફાયર સેફટીના સાધનો વગર બાયોડિઝલનું વેચાણ કરવા સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

આજ પ્રમાણે જુનાગઢ તાલુકાના સુખપુર ગામ પાસે એબ્સકોન્ડર સ્કોડના પીએસઅઇ પી. જે. રામાણી તેમજ સ્ટાફના જે. પી. મહેતા, ગીરીશરાજસિંહ વાઘેલા વગેરેએ દરોડો પાડીને ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ પકડી પાડયું હતું. અહીંથી પોલીસે રૂ. ર.૮પ લાખનો પાંચ હજાર લીટર બાયોડીઝલનો જથ્થો પકડી પાડયો હતો અને જનરેટર સહિત કુલ રૂ. ૯.૭૪ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(12:51 pm IST)