Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોરોના કાળમાં કથા જ વેકસીન છે : પૂ.મોરારીબાપુ

રામકથા ભવરોગની ઔષધિ છે, સંવાદ ત્રણ સ્તરે થાય, મુખથી -મનથી અને આત્માથી, કૃષ્ણ અને રૂકમણી આત્માથી એક થઇ ચૂકયા છેઃ જેવો સીતા અને રામ વચ્ચે સંબંધ છે, એવો જ રૂકમણી અને કૃષ્ણ વચ્ચેનો સ્નેહ છે

(શિવકુમાર રાજગોર) રાજુલા,તા. ૨:સોરઠનાં પરમ પવિત્ર તીર્થ શ્યામધામ ખાતે 'માનસ-વૃંદા' રામકથાના છઠ્ઠા દિવસની કથાનાં ગાનનો આરંભ કરતા પૂજય બાપુએ શ્રીમદ ભાગવતનો સુક્ષ્મ સ્પર્શ કરતા, તલગાજરડી અદામાં શ્રીકૃષ્ણ અને રુકમિણીના સ્નેહ સંબંધનું વર્ણન કર્યું. વિદર્ભરાજ સમ્રાટ ભીષ્મકને સંતાનમાં પાંચ કુમાર અને એક કન્યા હતાં. સુશીલ અને સુંદર એવી કન્યા રુકિમણી પોતાની કૌમૌર્યાવસ્થાના પ્રારંભથી જ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત થઈ જાય છે. જેને કદી જોયા નથી, કોઈ સંપર્ક કે સંવાદ નથી, તેમ છતાં અંતર્-દ્રષ્ટા, અંતર્ જ્ઞાની અને અંતર્યામી ભગવાન કૃષ્ણ પણ રુકમિણીનું પોતાના મનથી સ્મરણ કરતા રહે છે.

આત્મા એક છે કે નહીં, તે શાસ્ત્રાર્થનો વિષય છે. આત્મતત્ત્વનું દર્શન વ્યાખ્યાઓમાં સરળ પડે છે, પણ અવસર આવતાં ચૂકી જવાય છે. આત્માની વ્યાખ્યાનો વિષય મહાપુરુષો ઉપર છોડી દઈએ, પણ સંવાદ ત્રણ સ્તરે થાય છે. મુખથી, મનથી અને આત્માથી. કૃષ્ણ અને રુકમિણી આત્માથી એક થઈ ચૂકયા છે. રુકિમણીનો જયેષ્ઠ બંધુ રુકિમ, કૃષ્ણ સાથે બહેન રૂકિમણીનો સબંધ ઇચ્છતો નથી. એ તો શિશુપાલ સાથે બહેનને પરણાવવા ઈચ્છે છે. આખરે રુકિમણીજી એક બ્રાહ્મણ દેવતાને પોતાના સંદેશવાહકનાં રૂપમાં દ્વારિકા મોકલે છે. ભગવાન કૃષ્ણ, બ્રાહ્મણ દેવતાનું યથોચિત સ્વાગત કરે છે અને એમના આગમનનું કારણ પૂછે છે. ત્યારે તે રાજકુમારી રુકિમણીનો સંદેશો શ્રીકૃષ્ણને સંભળાવે છે.

આ પ્રસંગમાં રામચરિત્ માનસનો સંદર્ભ ટાંકતા પૂજય બાપુએ કહ્યું કે જેવો સીતા અને રામ વચ્ચે સંબંધ છે, એવો જ અહીં રૂકિમણી અને કૃષ્ણ વચ્ચેનો સ્નેહ છે. બાપુએ રૂકિમણીએ શ્રીકૃષ્ણ લખેલ પત્રના બે શ્લોકનું પઠન કર્યું.

બાપુએ મહુવાના ભવાનીમાતાનાં મંદિરેથી અપહરણ કર્યું હોવાની લોક વાયકાનો પણ ઉલ્લેખ કર્યો. બાપુએ અપહરણના સંદર્ભમાં કહ્યું કે માતા સીતાએ રાવણને સંદેશો નહોતો મોકલ્યો, છતાં તે સીતાનું અપહરણ કરે છે - તે આસુરીવૃત્ત્િ। છે. જયારે રૂકિમણીજી તો શ્રીકૃષ્ણને નિમંત્રણ મોકલે છે.

પૂજય બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં આઠ સ્થાને વૃંદા- તુલસીનો ઉલ્લેખ છે. આ ચોપાઈઓનું ગાન કરીને બાપુએ કહ્યું કે માનસના સાત કાંડ પૈકી કિષ્કિંધાકાંડમાં તુલસીનો ઉલ્લેખ નથી, કારણ કે ત્યાં સતિ તારા ખુદ જ વૃંદા- તુલસી સ્વરૂપા છે. એ જ રીતે લંકાકાંડમાં પણ તુલસીનો ઉલ્લેખ નથી. કારણકે ત્યાં તો તુલસી સ્વરૂપા- ભકિત સ્વરૂપા- માતા સીતા સાક્ષાત્ અશોકવાટિકામાં બેઠા છે. ઉપરાંત રાવણપત્ની સતિ મંદોદરી પણ તુલસી સ્વરૂપા છે, એટલે ત્યાં તુલસીનો ઉલ્લેખ નથી.

સુંદરકાંડના સંદર્ભમાં- લંકામાં પ્રવેશ કરતાં હનુમાનજી વિભીષણનાં દ્યરે તુલસીના વૃંદ જુએ છે. અહીં 'રામાયુધ' શબ્દનો પ્રયોગ છે. બાપુએ કહ્યું કે આપણાં બધાં જ દેવદેવીઓના હાથમાં વિવિધ પ્રકારનાં શસ્ત્રો છે. પરંતુ એ શસ્ત્રો શાસ્ત્રોનું સૂચન કરે છે.

ભગવાન રામે ધર્મરથમાં જે આયુધોનું વર્ણન કર્યું છે, એ બધા વિભીષણનાં દ્યરની દિવાલ પર ચિત્રિત થયેલાં છે.

જેમાં- ઢાલ વૈરાગ્યનું, કૃપાણ સંતોષનું, ફરસો દાનનું અને તલવાર કુશાગ્ર બુદ્ઘિનું પ્રતિક છે. ધનુષ્ય શ્રેષ્ઠ વિજ્ઞાનનું પ્રતિક છે. પૂજય બાપુએ કહ્યું કે તલગાજરડાની દ્રષ્ટિએ રામચરિત્ માનસમાં નવ વખત તુલસી છે. આઠ વખત ચોપાઈઓ રૂપે એનો ઉલ્લેખ છે. નવમા તુલસી પ્રચ્છન્ન રૂપે છે. રામચરિતમાનસ પોતે જ જંગમ તુલસી તરુવર છે- માનસ જ વૃંદા છે.આ પ્રગટ તુલસી નથી પ્રછન્ન તુલસી છે- પૂર્ણ તુલસી છે. એને જળ પાવું નથી પડતું. એનો પાઠ કરવો. માનસમાં અઢાર પ્રકારની ભકિતનું વર્ણન છે, ભકિતની વિધાઓનાં અઢાર નામ છે. પરમ સતિ વૃંદામાં આ અઢારે પ્રકારની ભકિતનાં દર્શન થાય છે.

કથાનાં સમાપનમાં પૂજય બાપુએ કહ્યું કે 'કોરોના કાળમાં કથા વેકિસન છે. રામકથા ભવરોગની ઔષધિ છે. હરિનામ સંકીર્તન સાથે પૂજય બાપુએ કથામાં પોતાની વાણીને વિરામ આપ્યો હતો.

(1:01 pm IST)