Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જૂનાગઢના જાલણસરની સરકારી ગૌચર જમીનમાંથી રૂ. ૧.૮ર કરોડની ખનિજચોરી

સાત શખ્સો સામે રોયલ્ટી ઇન્સ્પેકટરની પોલીસ ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર : જુનાગઢના ઝાલણસર ગામની સીમમાં આવેલ સરકારી ગૌચર જમીનમાં મોટાપાયે ગેરકાયદે ખનન કરી સાત શખ્સોએ રૂ. ૧.૮ર કરોડની ખનિજ ચોરી કર્યાની પોલીસ ફરીયાદ થતાં હલચલ મચી ગઇ છે.

જુનાગઢ તાલુકાના ઝાલણસર ગામની સીમમાં આવેલ ગૌચરની જમીનમાં તંત્રએ મોટાપાયે માટીનું ખોદકામ થતું હોવાનું પકડી પાડયું છે.

સ્થળ પરથી ડમ્પર તેમજ ટ્રેકટર સહિતના વાહનો સાધનો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂ. ૧ કરોડ ૮ર લાખ, ૬પ,૩૪૩ની ખનિજ ચોરીની નોટીસ ફટકારવામાં આવી હતી.

પરંતુ ખનિજ ચોરીની નોટીસની અવગણના કરી  પેનલ્ટી વગેરે ભરવામાં આવેલ નહિ. આખરે ગઇકાલે સાંજે ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર હિરેનકુમાર પ્રવિણભાઇ સંડેરાએ જુનાગઢ તાલુકા પોલીસમાં ફરીયાદ કરી હતી.

જેમાં માખીયાળાનો જીગ્નેશ કાંતિભાઇ ગજેરા, પોરબંદરનો લખમણ મેરૂભાઇ ખુંટી, ગલીયાવડનો ઇમરાન હુસેનભાઇ સીડા, જુનાગઢનો વિજયદાસ મનસુખભાઇ દાણીધારીયા, માખીયાળાનો દુધાત્રા ધીરજ રામજીભાઇ, ટીંબાવાડીના દેવશીભાઇ વજશીભાઇ કરમુર અને દોલનપરાનો નિલેશ વજશીભાઇ પીઠીયા સામે રૂ.૧.૮ર કરોડની સરકારી મિલ્કતની ચોરી કર્યાની ફરીયાદના આધારે તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.  વિશેષ તપાસ પીએસઆઇ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે.

(1:02 pm IST)