Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

રામકથા પરહિત કરનારી પ્રેમ આપનારી કથા :પૂ. મોરારિબાપુ

નવલા નવરાત્રી દિવસોમાં ગોહિલવાડના ગૌરવ સમાન મહુવા પાસેના શક્તિ સ્થાનક શ્રી ભવાનીમાતા ક્ષેત્રમાં યોજાયેલ 'માનસ માતુ ભવાનિ' રામકથાનો વિરામ:: આવતા વર્ષે શરદ પૂનમથી દિવાળી વચ્ચે મહુવાના ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા માટેની પૂ. મોરારિબાપુની જાહેરાત

રાજકોટ તા.૨:નવલા નવરાત્રી દિવસોમાં ગોહિલવાડના ગૌરવ સમાન મહુવા પાસેના શક્તિ સ્થાનક શ્રી ભવાનીમાતા ક્ષેત્રમાં યોજાયેલ 'માનસ માતુ ભવાનિ' રામકથાની પૂર્ણાહુતિ વેળાએ વ્યાસપીઠ પરથી પૂ. મોરારિબાપુએ કહ્યું કે, રામકથા પરહિત કરનારી પ્રેમ આપનારી કથા છે.

મહુવા પંથકના કતપર ગામ પાસે અરબી સમુદ્રના કિનારે શક્તિ સ્થાનક શ્રી ભવાનીમાતા ક્ષેત્રમાં પૂ. મોરારિબાપુએ રામચરિત માનસની 'છબિખાની માતુ ભવાનિ ગવની મધ્ય મંડપ સિવ જહાં' ચોપાઈ ગાનને કેન્દ્રમાં રાખી નવલા નવરાત્રી દિવસોમાં કથા રસ પિરસી સનાતન ધર્મમાં શિવ, રામ, કૃષ્ણ અને શક્તિ દુર્ગાના મહાત્મ્ય સાથે વિવિધ રામકથા પ્રસંગો અને સાંપ્રત સત્સંગ વર્ણન કર્યું.

રામકથાના પૂર્ણાહુતિ દિવસે પૂ. મોરારિબાપુએ કથાના બાકી સોપાનો સાથે અયોધ્યામાં ઋષિ વશિષ્ઠના આશીર્વાદ સાથે દશરથ રાજાના પુત્રોના રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્નના નામકરણ અને ત્યાર બાદની વિવિધ લીલાઓ યજ્ઞોપવિત, અહલ્યા ઉદ્ધાર, સ્વયંવર, વનવાસ, લંકાદહન તેમજ રામ રાજ્યાભિષેક વગેરે વર્ણન સાથે કથા પૂર્ણાહુતિ કરી હતી.

પૂ. મોરારિબાપુએ રામકથાના ગાન સમાપન દિવસે મહિમા વર્ણન કરતા કહ્યું કે, રામકથા એ પરહિત કરનારી અને પ્રેમ આપનારી કથા છે. સૌને ધર્મક્ષેત્ર સાથે જોડાયેલા રહેવાની વાત કરતા ઉમેર્યું કે, ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે, ઈશ્વર મળી જાય તો પણ યજ્ઞ, દાન અને તપ કરતા રહેવું. કથા શ્રવણ કર્યા પછી કોઈ અબોલા હોય તો છોડવા શીખ આપી. માતા પિતા અને આચાર્ય ગુરૂ પ્રત્યે પહેલા આદર આપવા ભાર મૂક્યો.

આજના દિવસે મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીને અનુક્રમે 'સત્ય એ જ પરમેશ્વર' અને 'જય જવાન, જય કિસાન' ઉલ્લેખ કરી સ્મરણ વંદના કરી.

મહુવા ક્ષેત્ર એટલે તલગાજરડા આસપાસના ત્રિભુવની ભાવવરણ નભોમંડળમાં રામકથા ગરબે રમવા આવ્યાનો અધ્યાત્મભાવ રજૂ કરી પ્રસન્નતા વ્યક્ત કરી અહીંના ભવાની મંદિર નિર્માણ વિકાસ માટે આયોજન માટે વાત કરી તેમજ આ સાથે ચિત્રકૂટ તલગાજરડા તરફથી મંદિર તથા પૂજારી પરિવાર માટે રૂપિયા ૧,૨૫,૦૦૦ તુલસીપત્ર રૂપે જાહેર કર્યા. આમ શ્રી મોરારિબાપુએ આ તીર્થ માટે વિકાસ સાથે વિશ્રામ માટે આગ્રહ રહ્યો છે.

યજમાન ચીમનભાઈ વાઘેલા તથા સ્વર્ગસ્થ પ્રવિણભાઈ વાઘેલા પરિવારના નિમિત્તમાત્ર યજમાનપદે આ રામકથામાં લાખો શ્રોતા ભાવિકોએ ભજન અને પ્રસાદ ભોજન લાભ લીધો હતો.

કથા પૂર્ણાહુતિ સાથે આભાર લાગણી દર્શાવતા શ્રી ભવાનીમાતા મંદિરના અગ્રણી શ્રી પ્રફુલભાઈ પંડ્યાએ અહીંના વિકાસ આયોજન અને સરકારી વિભાગો સાથેની પ્રક્રિયાની વાત કરી શ્રી મોરારિબાપુ દ્વારા મળતી હૂંફનો સાદર ઉલ્લેખ કર્યો.

આ વર્ષે શક્તિ પર્વમાં શક્તિ તીર્થમાં રામકથા લાભ મળ્યા બાદ આવતા વર્ષે શરદ પૂનમથી દિવાળી વચ્ચે મહુવાના જે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા માટેની પૂ. મોરારિબાપુએ જાહેરાત કરી છે.

મહુવા કતપર આ રામકથા માટે સ્થાનિક ઉપરાંત અન્ય ધાર્મિક, રાજકીય, સામાજિક અગ્રણીઓ અને સરકારી તંત્ર તથા સંસ્થાઓ દ્વારા ખૂબ સહયોગ રહ્યો હતો.

(5:57 pm IST)