Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ઘરના આંગણે આવતી આ સ્વાશ્રયી મહિલાઓ ઝંખે છે આપણો સંવેદનાભર્યો સહકાર

એ.. વાસણ લેજો..ના સાદ સાથે જૂના કપડાંની બદલે વાસણ વેંચતી મહિલાઓનો સંઘર્ષ સમજી એમને થોડો સહકાર આપીએ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: વર્તમાન સમયમાં તો અનેકવિધ ક્ષેત્રે મહિલાઓ  વ્યવસાયિક રીતે સફળ છે. પણ, ભૂતકાળની વાત સંભારીએ તો, એવા ઘણા નાના વ્યવસાયો જે આજે ધીરે ધીરે ઘટી રહ્યા છે પણ હજી તેમાં મહિલાઓનું વર્ચસ્વ રહ્યું છે. ઘેર ઘેર ફરી જૂના કપડાં સાથે વાસણ વેંચી સ્વનિર્ભરતા સાથે પરિવારનો આર્થિક ટેકો બનતી મહિલાઓ આજે ય આપણાં માંથી ઘણાને યાદ હશે જ. આ યાદ સાથે જ આપણાં કાનમાં એ.. વાસણ લેજો વાસણ ના સાદ સાથે જૂના કપડાંની બદલે વાસણ વેચતી મહિલાઓનો ચહેરો તરવરી ઉઠે. જોકે, સમયની અસર હવે આ સ્વાશ્રયી મહિલાઓને પણ થઈ છે. ભુજના યુવા સામાજિક કાર્યકર મિતેષ શાહ આ વ્યવસાય સાથે સંકળાયેલા સવિતાબેન સથવારા ની વાત કરતાં કહે છે કે, આજે ૬૦ વર્ષની ઉંમરે માથા ઉપર વાસણ અને ખભે જૂના કપડાંના થેલા સાથે ઘેર ઘેર ફરતાં સવિતાબેન અત્યારે તેમના ઘટતાં જતાં વ્યવસાયથી ઘણાં જ નિરાશ થઈ ગયા છે. કોરોનાનીં અસર તો છે જ પણ હવે પહેલાંની જેમ લોકો તરફથી સંવેદના તેમ જ સહકાર મળતો નથી. સવિતાબેન પોતાની જૂની યાદો તાજી કરતાં કહે છે કે, પહેલાં અમે ફળિયે ફળિયે ફરતાં ગૃહિણીઓ ભલે રકઝક કરતી પણ અમારો વેપાર થતો. લાગણી સાથે જૂના કપડાઓ આપી વાસણ ખરીદતી સાથે સાથે ઠંડા પાણીનો લોટો કે છાશ પણ પાતી. જ્યારે અત્યારે અમે ખૂબ દૂર દૂર અંતર ધરાવતાં સોસાયટી વિસ્તારોમાં દરરોજ ૧૦ થી ૧૫ કીમી જેટલું ફરીએ છીએ પણ ગૃહિણીઓની ઉદાસીનતા અમને ખટકે છે. સામાજિક કાર્યકર મિતેશભાઈ શાહ અપીલ કરતાં કહે છે કે, સવિતાબેન વિધવા છે, પણ તેઓ સ્વમાનભેર રોજગારી કમાઈને જ જીવવા માંગે છે. પોતાના પગ ઉપર ઊભા રહીને પરિવારનું ગુજરાન ચલાવતી આવી સ્વાશ્રયી મહિલાઓનો સંઘર્ષ સમજી આપણે એમની પ્રત્યે સંવેદના દર્શાવી સહકાર આપીએ. આજે તો જૂના કપડાંની બદલે વાસણ વેચતી આ મહિલાઓની સંખ્યા ઘટીને જૂજ જ રહી છે. ભલે આપણે તેમની સાથેના વ્યાપાર દરમ્યાન મીઠી રકઝક કરીએ પણ આ સ્વાશ્રયી મહિલાઓની આત્મનિર્ભરતા કદર કરીએ અને આપણા આંગણે આવે ત્યારે તેમનું સન્માન સાચવીએ.

(10:06 am IST)