Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વાંકાનેરની બજારમાં કોરોના કાળ બાદ લાંબા સમય પછી દીપાવલીની રોનક દેખાઇ

વાંકાનેર,તા. ૨ : વાંકાનેરની બજાર કોરોના કાળ દરમ્યાન લાંબો સમય સુમસામ રહ્યા બાદ હવે દિપાવલી અને નૂતન વર્ષનાં આગમન પૂર્વે બજારોમાં રોનક જોવા મળી રહી છે.

એક સમયે કોરોના કાળ દરમ્યાન વાંકાનેરની બજારો મુખ્ય માર્ગો સૂમસામ ભાસતા હતાં, ધંધા વેપારમાં લાંબા સમયથી મંદી હતી, વેપારીઓ ઘરાકીની રાહ જોઈ રહ્યા હતાં, ત્યારે હવે કોરોના હળવો બન્યો છે અને રાજય સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે દિપાવલી અને નૂતનવર્ષનાં આગમન પૂર્વે અગિયારસથી મહિલાઓ - શહેરીજનોની બજારમાં ભીડ જોવા મળી હતી, જોકે તમામ ચીજ વસ્તુઓમાં મોંઘવારીએ આંટો માર્યો છે તેમ છતાં પોતાના બજેટ મુજબ લોકો ખરીદી કરી રહ્યા છે, ફટાકડા, મીઠાઈ, ફરસાણ, મુખવાસ, કપડાં, ચીરોડી કલર, સૂકોમેવો, ફૂલહાર, તોરણ, રંગોળી જેવી ઘર સજાવટની ચીજ વસ્તુઓની શહેરીજનો ખરીદી કરી રહ્યા છે, ખાસ કરી માર્કેટ ચોક, મુખ્ય બજાર સહિત લોકોની ભીડ જોવા મળી હતી, લોકો હવે કોરોનાનાં ભૂતકાળને ભૂલી જઈ નવા વર્ષને નવાં વિચારો નવી અભિલાષા સાથે વધાવવા આતુર બન્યા છે.

(10:54 am IST)