Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વિહિપના દેશભરના ધુરંધરો જૂનાગઢમાં ચિંતન કરશે

તા. ૨૪થી ૨૬ ડીસેમ્બરે રાષ્ટ્રીય કક્ષાની બેઠક : ૪૪ પ્રાંતના ૩૦૦ પદાધિકારીઓ આવશે : રામ મંદિર સહિતના મુદ્દાઓની ચર્ચા : વર્ષ ૨૦૨૨ના કાર્યક્રમો નક્કી થશે : સંગઠનમાં પણ નવુ જોમ લાવવા પ્રયાસ

રાજકોટ તા. ૨ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે ડીસેમ્બરમાં નવા વર્ષના કાર્યક્રમો નક્કી કરવા જુદા જુદા રાજ્યોમાં યોજાતી અખિલ ભારતીય કક્ષાની બેઠક આ વખતે તા. ૨૪ થી ૨૬ ડીસેમ્બરે જૂનાગઢના જવાહર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજવાનું નક્કી થયાનું જાણવા મળે છે. જેમાં દેશભરના પરિષદના અને સંઘ પરિવારના ૩૦૦ જેટલા અગ્રણીઓ અને ૧૦૦ જેટલા વ્યવસ્થાપકો ઉપસ્થિત રહેશે. આ ચિંતન બેઠકમાં પરિષદની હિન્દુત્વલક્ષી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કામગીરીની ચર્ચા થશે તેમજ આગામી કાર્યક્રમો નક્કી થશે.

વિહિપની દ્રષ્ટિએ દેશમાં ૪૪ પ્રાંત છે. તમામ પ્રાંતના પ્રમુખો, સંગઠન મહામંત્રીઓ તેમજ પરિષદના કેન્દ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની પ્રગતિ, કાશ્મીરની સ્થિતિ, હિન્દુ સંગઠન વગેરે મુદ્દાની ચર્ચા થશે. બેઠકનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે. દર વર્ષે અલગ-અલગ રાજ્યમાં આવી બેઠકો યોજાતી હોય છે. આ વર્ષે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતને યજમાન પદ મળ્યું છે. પરિષદના વિવિધ પ્રાંતના હોદ્દેદારો પણ આ બેઠકમાં નક્કી થશે. સંગઠનમાં કેટલાક ફેરફારો સાથે નવુ જોમ લાવવાનો પ્રયાસ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨ના પ્રારંભે ઉત્તરપ્રદેશ સહિત ૫ રાજ્યોની તથા ઉતરાર્ધમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભૂતકાળમાં અનેક વખત ભાજપને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના જુવાળનો લાભ મળ્યો છે.

(11:40 am IST)