Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ગોંડલના મોવિયા ગામે પથ્થરના ઘા ઝીંકી મજુર સુરસિંગ રાઠવાની હત્યા

વાડીના રસ્તામાં જ કોઈએ ઢીમ ઢાળી દીધુઃ હત્યાના હેતુ અને હત્યારાઓ અંગે તપાસનો ધમધમાટ

હત્યાનો ભોગ બનનાર મજુરનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ નજરે પડે છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨ :. ગોંડલના મોવિયા ગામે વાડીમાં કામ કરતા મજુર પ્રૌઢની હત્યા કરાતા ચકચાર જાગી છે. પોલીસે હત્યાના હેતુ અને હત્યારાઓ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના મોવિયા ગામે ભાવેશભાઈ વઘાસીયાની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા સુરસિંગ પલજીભાઈ રાઠવા (ઉ.વ.૫૦) રહે. મૂળ ગામ ટીંબલી, તા. જી. છોટાઉદેપુરને ગઈકાલે રાત્રે વાડીના રસ્તામાં કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકી ખૂની હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા સુરસિંગને ગોંડલ બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ખસેડાયેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતા ગોંડલ તાલુકાના પીએસઆઈ એમ.જે. પરમાર તથા પીએસઆઈ ડી.પી. ઝાલા સહિતનો કાફલો રાજકોટ સિવીલ હોસ્પીટલે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર સુરસિંગ દારૂ પીવાની ટેવવાળો હતો અને દિવસે કામ પર ગયા બાદ રાત્રે વાડીએ પરત ફરતો હતો એ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેના માથામાં પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક સુરસિંગને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. એક પુત્રીના લગ્ન થઈ ગયા છે.

દરમિયાન ગોંડલ તાલુકાના પીએસઆઈ પરમાર તથા પીએસઆઈ ઝાલાએ જે જગ્યાએ મજુરની હત્યા કરાઈ છે તે વાડી વિસ્તારના રસ્તામાં આવતા વાડી માલિકોની પૂછપરછ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ પણ કોઈના પર શંકા વ્યકત કરેલ ન હોય પોલીસે હત્યાના હેતુ અને હત્યારા અંગે છાનભીન્ન શરૂ કરી છે.

(11:41 am IST)