Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કરાર પાલનનો દાવો મંજૂર કરી મિલ્કતનો વેચાણ દસ્તાવેજ કરી આપવા કોર્ટનો હુકમ

જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ મિલ્કતના વિવાદમાં

રાજકોટ તા. ર :.. જુનાગઢના ઝાંઝરડા ગામના રે. સ. નં. ર૬ પૈકીની રહેણાંક હેતુ માટે બીનખેતરી જમીના પ્લોટસ પૈકી પ્લોટ નં. ૬૦ ની જમીન ચો. વા. આ. ૧૬૭-૪૪ સહિત તેની ઉપરનું મકાન શ્રી ચંદ્રકાંતભાઇ સુખદેવભાઇ અગ્રાવતની માલીકીનું આવેલ જે તેમણે રાજકોટના રહીશ શ્રી કશ્યપ ચંદ્રકાંત દવેને રૂ. ર૩પ૦૦૦૦ માં વેંચાણે આપવા નકકી કરી સુથી તથા અવેજ પેટે રૂ. પ૦૦૦૦૦ સ્વિકારી અને નોટરાઇઝડ સાટાખત કરાર રાજકોટ મુકામે કરી આપેલ અને બાકીની રકમ દસ્તાવેજ સમયે સ્વિકારી મકાનનો કબ્જો ભોગવટો સોંપી અસલ ફાઇલ આપવાનું નકકી કરેલ પરંતુ મીલકતનો ભાવો વધી જતા પ્રતિવાદીની નિયતમાં ખોટ આવી જતા વાદીએ બાકીની રકમ સ્વિકારી મીલકતનો કબજો સોંપી દસ્તાવેજ કરી અસલ ફાઇલ આપવાનું જણાવતા પ્રતિવાદીએ બહાનાઓ કરી સમય પસાર કર્યે રાખી અને ત્યારબાદ કોઇ જવાબ ન આપતા વાદીએ જુનાગઢના સીવીલ જજ સાહેબશ્રીની કોર્ટમાં સ્પે. દી. કે. નં. ર૯-૧૬ થી કરારના વિશેષ પાલનનો દાવો દાખલ કરેલ જે વાદીનો કરારના વિશેષ પાલનનો દાવો જુનાગઢના  સીનીયર સીવીલ જજ શ્રી એમ. જે. ઝાલા એ મંજૂર કર્યો હતો.

કોર્ટ વાદીનો દાવો મંજૂર કરવામાં આવે છે. તેમ ઠરાવી દાવા વાળા કરાર અનુસંધાને આ કામના પ્રતિવાદી એ વાદી પાસેથી બાકી અવેજની રકમ રૂ. ૧૮.પ૦,૦૦૦ સ્વીકારીને દાવા વાળી મીલકત જુનાગઢના ઝાંઝરડા ગામના રે. સ. નં. ર૬ પૈકીની રહેણાંક હેતુ માટે બીનખેતી જમીનના પ્લોટસ પૈકી પ્લોટ નં. ૬૦ ની જમીન ચો. વા. આ. ૧૬૭-૪૪ સહિત તેની ઉપરનું મકાન વાદીની તરફેણમાં પાકો વેંચાણ દસ્તાવેજ કરી આપવા જવાબદાર હોવાનું ઠરાવવામાં આવે છે.

આ કામના પ્રતિવાદીને હુકમ કરવામાં આવે છે કે તેઓ વાદી પાસેથી બાકી અવેજની રકમ રૂ. ૧૮પ૦૦૦૦ સ્વીકારીને દાવાવાળી મીલકતનું વાદીની તરફેણમાં રજી. વેંચાણ દસ્તાવેજ હાલના હુકમ તારીખથી ૩ માસમાં કરી આપે વધુમાં હુકમ કરવામાં આવે છે કે જો પ્રતિવાદી આવી રકમ સ્વિકારવાનો ઇન્કાર કરે તો વાદીએ ઉપરોકત રકમ ૩ માસમાં કોર્ટમાં ડીપોઝીટ કરાવવી.

આ કામના પ્રતિવાદીને આથી હુકમ કરવામાં આવે છે કે તેઓએ દાવા વાળી મીલકત વાદી સિવાય અન્ય કોઇને વેંચાણ, ગીરો, બક્ષીસ, સાટાખત, ભાડે અથવા અન્ય કોઇ રીતે હસ્તાંતરીત કરવી કે કરાવવી નહીં, તે મિલકત ઉપર પ્રતિવાદીએ હુકમ તારીખ બાદ કોઇ બોજો ઉભો કરવો-કરાવવો નહી, લોન લેવી નહી, તારણમાં મુકવી નહી, તેવો કાયમી મનાઇ હુકમ આપવામાં આવે છે.

આ કામમાં વાદી તરફે વકીલ શ્રી સંજય જે. જોષી તથા ત્રીશાલા જોષી રોકાયેલ હતાં.

(11:56 am IST)