Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

જામનગરમાં દિવાળી પર્વમાં લોકોને તકેદારી રાખવા પોલીસની અપીલ

સીસીટીવી કેમેરા ચાલુ રાખવા, સિકયુરીટી ગાર્ડને એલર્ટ કરજો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર :.. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર હોય જેથી દિવાળીની રજાઓમાં લોકો માદરે વતન કે ટૂર પર જતા હોય ત્યારે આવા સમયે ખાસ કરીને તસ્કરો બંધ ઘરોને ટાર્ગેટ કરતા હોય છે. જેથી ઘર બંધ કરીને જતા પહેલા સ્થાનીક પોલીસમાં અરજી આપી જાણ કરવા લોકોને અપીલ કરી છે જેથી પોલીસ તમારા ઘરની સુરક્ષા તેમજ જાનમાલનું રક્ષણ કરી શકે અને ચોરીના બનાવો અટકાવી શકે.

ઘર બંધ કરીને વતન કે પછી ફરવા માટે જાવ ત્યારે ઘરમાં કિંમતી સામાન બની શકે તો પોતાની સાથે લઇ જાવો અથવા સેફ જગ્યાએ મુકી દેવો જોઇએ.

આસપાસ રહેતા પાડોશી તેમજ સોસાયટીના પ્રમુખને જાણ કરો જેની સોસાયટીના સીકયોરીટી ગાર્ડ પણ એલર્ટ રહી શકે અને ઘરની આસપાસ કોઇ શંકાસ્પદ ઇસમ દેખાઇ તો પોલીસમાં જાણ કરી શકે. તેમજ જો શકાય હોય તો ઘરમાં તાળા ન મારી ઇન્ટરલોક મારવાનું રાખો જેનાથી કોઇ રેકી કરવા આવે તો ખબર ન પડે કે ઘરમાં તાળુ છે.

તેમજ છાપાવાળાને પણ કહો જેથી તમારા દરવાજા બહાર છાપા ભેગા ન થાય અને તમે બહાર છો તેની ખબર ના પડે. તેમજ તમામ સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી તહેવાર દરમ્યાન તમારા સીકયોરીટી ગાર્ડને એલર્ટ રાખે તેમજ સોસાયટીમાં સીસીટીવી કેમેરા ચાલુ રખાવે અને સોસાયટીના તમામ માણસો જે જરૂરી સુચના કરે અને સોસાયટીમાં દિવસ દરમ્યાન કોણ કોણ આવે છે તેનુ રજીસ્ટર નિભાવવુ અને સીસીટીવી કેમેરાથી વોચ રાખવા.

તેમજ વેપારી વર્ગને પણ જણાવવાનું કે તહેવાર દરમ્યાન તમારી દુકાનો-બંધ હોય જેથી તેમાં કોઇ કિંમતી વસ્તુઓ ન રાતો તેમજ સીસીટીવી ચાલુ રહે તે ખાતરી કરો અને તહેવારના દિવસોમાં કોઇ વોચમેન કે સીકયોરીટી તમારા વિસ્તારમાં રાખવા જામનગર સીટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા અપીલ કરાઇ છે.

(11:56 am IST)