Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દ્વારકા જિલ્લામાં ૭૬૦ મતદારનો ઉમેરો : ૬૧૯ મતદારો કમી, કુલ ૫,૭૭,૩૮૧ મતદારો

તા. ૧૪,૨૧,૨૭ અને ૨૮ નવેમ્બરના રોજ જિલ્લાના તમામ મતદાર મથકોએ ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

દેવભૂમિ દ્વારકા,તા. ૨ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૦૧.૦૧.૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત સંકલિત મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકિય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રી એમ.એ. પંડયા તથા નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી રાઠોડે  વિગતો આપતા જણાવ્યું હતું કે મતદારયાદી બાબતે તા.૦૧-૧૧-૨૦૨૧ થી ૩૦-૧૧-૨૦૨૧ સુધી વાંધા સુચનો રજુ કરી શકાશે. તા.૨૦-૧૨-૨૦૨૧ના રોજ વાંધા સુચનોનો નિકાલ કરવામાં આવશે તેમજ તા.૦૫-૦૧-૨૦૨૨ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

આગામી તા. ૧૪, ૨૧, ૨૭ અને ૨૮ નવેમ્બર ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા.૦૧/૦૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ખાસ કરીને ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓને માટે આ ઝુંબેશ મહત્વની રહેશે. નાગરીકો સરળતાથી પોતાના નામની નોંધણી કરાવી શકશે.

યુવા નાગરીકોને મતદાતા નોંધણી વિશે માહિતગાર કરવા ઝુંબેશનો પ્રચાર-પ્રસાર કરવા માટે જિલ્લામાં આવેલ ૧૦ કોલેજોના ૧૭ જેટલા કેમ્પસ એમ્બેસેડર દ્વારા કોલેજોમાં વિવિધ પ્રવૃત્ત્િ।ઓ કરવામાં આવશે તેમજ વધુમાં વધુ યુવા મતદારો ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઈન ફોર્મ ભરવા માટે વોટર હેલ્પલાઈન એપ અને NVSP વેબસાઈટનો ઉપયોગ કરે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. ચૂંટણી પંચની સુચના મુજબ જિલ્લાના પ્રતિભાશાળી ચિત્રકાર અને જીવંત ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનીસ બુકમાં નામ નોંધાવનાર સામતભાઈ બેલાને જિલ્લા આઈકોન તરીકે પસંદ કરવામાં આવે છે. જિલ્લામાં ભાવી મતદારો માટેની કુલ ૧૮૨ સક્ષરતા કલબ, ૩૯૯ ચુનાવ પાઠશાળાઓ અને ૯૩ વોટર અવેરનેશ ફોરમ કાર્યરત છે.

ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાન મથકની મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે. જેમાં ૮૧-ખંભાળિયામાં મતદારોની વધુ સુવિધા માટે કજુરડા-૩ નામનું નવું મતદાન મથક ઉભું કરવામાં આવેલ છે, ૩ મતદાન મથકોમાં સેકશન ફેરફાર કરેલ છે અને ૨૪ મતદાન મથકના સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે. જયારે ૮૨-દ્વારકામાં ૧૬ મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે.  તા. ૦૧/૦૧/૨૦૨૨ ને ધ્યાને લઈ મતદારયાદી આખરી પ્રસિદ્ઘિ કરવામાં આવેલ છે. જેમાં જિલ્લામાં  કુલ ૫,૭૭,૧૦૦ મતદારો હતા. સતત સુધારણા કાર્યક્રમમાં જિલ્લામાં ૭૬૦ મતદારોનો ઉમેરો થયેલ અને ૬૧૯ મતદારો કમી થયેલ આમ, જિલ્લામાં કુલ ૫,૭૭,૩૮૧ મતદારો થયેલ છે. જેમા ૮૧-ખંભાળિયામાં ૧૪૯ અને ૮૨-દ્વારકામાં ૧૧૪ મતદારોનો ઉમેરો થયેલ છે, જિલ્લાનો જેન્ડર રેશિયો ૯૩૭, EP રેશિયો ૬૯.૭૦% થયેલ છે. જિલ્લામાં કુલ ૯,૧૦૭ માંથી દિવ્યાંગ મતદારોની મતદારયાદીમાં નોંધણી(ફ્લેગિંગ) કરવાની થાય છે જેમાની ૯૨% જેટલી કામગીરી પૂર્ણ કરેલ છે.

જિલ્લાના ૬૫૮ બીએલઓશ્રીઓ, ૭૧ સુપરવાઈઝરશ્રીઓ, નાયબ મામલતદારશ્રી અને ૪ તાલુકા મામલતદારશ્રી, ૨ પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લાની ચૂંટણી શાખાની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. તમામ રાજકીય પાર્ટી, સ્વીપ ગ્રુપ, કલાકારો, રમતવીરો અને સેવા ભાવિ સંસ્થાઓ, પ્રેસ મીડિયા, ઇલે.મીડિયા અને સોશ્યિલ મીડિયા નો, કેમ્પસ એમ્બેસેડરનો અને જિલ્લા આયકોનનો સહકાર મેળવી આગામી ઝુંબેશ ચલાવવામાં આવશે. લાયકાત ધરાવનાર મતદારો મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલ લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા. ૧૪, ૨૧, ૨૭ અને ૨૮ નવેમ્બરના રોજ સવારે ૧૦ થી ૫ કલાકે રાજયનાં તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહશે. જયાં મતદારયાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.

ઉપરાંત મતદાર યાદીમાં રહેલ મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા, ફોટો કે વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકશે. નિયત નમૂનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થતિ બૂથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહશે. તેમ વધુમાં જણાવાયું હતું.

(12:00 pm IST)