Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ભાવનગરઃ પરિણિતાને આપઘાતની ફરજ પાડવાના કેસમાં પતિને ૧૦ વર્ષની સજાઃ સાસુનો છુટકારો ફરમાવતી કોર્ટ

ભાવનગર તા.૨: બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી પરણિતાને મરવા મજબુત કરવા બાબતે પતિ અને સાસુ વિરૂદ્ધમાં મરણ જનારના પિતાએ ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા  અદાલતે સરકારી વકિલની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ તેમજ સગા દિકરાએ તેના પિતાની વિરૂદ્ધમાં અદાલતમાં આપેલી જુબાની વિગેરે બાબતો ધ્યાને લઇ અદાલતે મુખ્ય આરોપી પતિને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો જયારે આ બનાવમાં સાસુને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદી ભગવતસિંહ નાગભા વાઘેલા (ઉ.વ.પ૭, રહે. વૌઠાગામ, તા.ધોળકા, જી.અમદાવાદ)ની દિકરી પ્રેક્ષાબા ઉ.વ.૩૬ને આરોપી નં.(૧) ચંદ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા જે મરણ જનારના પતિ થાય તથા આરોપી નંબર (૨) કિરણબા ઉર્ફે કંચનબા નરેન્દ્રસિંહ શિવુભા જાડેજા કરહે. બન્ને ફુલસર આણંદજીપાર્ક ભાવનગર) વાળાઓ શારીરિક તથા માનસિક ત્રાસ આપી અવાર નવાર મારકુટ કરી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરતા જેઓ બન્નેના ત્રાસના કારણે પ્રેક્ષાબાએ કંટાળી જતા પરાણે મરવા મજબુર કરતા જેઓ આરોપીઓના ઘરે ગત તા.૨૩-૪-૨૦૧૯ના રોજ પોતાની જાતેથી ગળા ફાંસો ખાઇ જતા તેણીનું મોત નીપજયુ હતુ.

ઉકત બનાવ અંગે મરણજનારના પિતા ભગવતસિંહ નાગભા વાઘેલાએ જે તે સમયે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ઉકત આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસ બન્ને આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૬, ૧૧૪ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની અસરકાર દલીલો દસ્તાવેજી પુરાવા-૨પ, મૌખીક પુરાવા-૧૦, તેમજ આરોપીના સગા દિકરાએ પિતા વિરૂદ્ધ અત્રેની કોર્ટમાં જુબાની આપેલ વિગેરે બાબતો ધ્યાને લઇ અદાલતે મુખ્ય આરોપી ચંદ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા સામે ઇપીકો કલમ ૩૦૬ મુજબના સીક્ષાપાત્ર ગુનામાં આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ રૂ.૧૦ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. જયારે અન્ય આરોપી કિરણબા ઉર્ફે કંચનબા નરેન્દ્રસિંહ શિવુભા જાડેજાને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

(12:01 pm IST)