Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કલ્યાણપુરનાં રાણપરડામા મકાનના મનદુઃખમાં ભાઇ-ભાભી દ્વારા યુવક ઉપર હુમલોઃ ખૂનની ધમકી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર : કલ્યાણપુર તાલુકાના રાણપરડા ગામે રહેતા સંજયભાઇ હરદાસભાઇ મોઢવાડીયા નામના ૩૬ વર્ષના મેર યુવાન  તેમના સગાભાઇ અજયભાઇ મોઢવાડીયા સાથે આશરે ત્રણેક માસ પુર્વે અલગ થયા બાદ બંને ભાઇઓ વચ્ચે મકાન બાબતનું મનદુઃખ ચાલતું હતુ. જે અંગેનો ખાર રાખી સંજયભાઇ ઉપર તેમના ભાઇ અજયભાઇ તથા અજયભાઇના પત્ની નીરૂબેનએ લોખંડના પાઇપ તથા ખરપીયા વડે હુમલો કરી, બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં દંપતી સામે આઇ.પી.સી. કલમ ૩ર૪, ૩ર૩, પ૦૪, પં૦૬(ર) ૧૧૪ તથા જી.પી.એકટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

મીઠાપુરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મીઠાપુર તાબેના સુરજકરાડી ખાતેથી સ્થાનિક પોલીસે જાહેરમાં મોબાઇલ ફોનમાં લુડો ગેમ ડાઉનલોડ કરી, પૈસાની હારજીત કરી રહેલા પ્રદીપ નરસીભાઇ ભરડવા, અજય કિશોરભાઇ ચાવડા, જેસાભા સાવજાભા કારા અને રણજીત કિશોરભાઇ ચાવડા નામના ચાર શખ્સોને ઝડપી લઇ રૂપિયા પ૦૩૦ રોકડા તથા એક નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૦૦૩૦નો મુદામાલ કબ્જે કરી જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

જંતુનાશક દવાની અસર થતાં યુવાન સારવારમાં

ભાણવડ તાબેના શિવા ગામના વાડી વિસ્તારમાં રહેતા કરશનભાઇ ડાડુભાઇ રાવલીયા નામના ર૭ વર્ષના આહીર યુવાન પોતાની વાડીએ જંતુનાશક દવાનો છંટકાવ કરી રહયા હતા. તે દરમિયાન તેમને આ દવાની વિપરીત અસર થતાં તેમને  પ્રાથમીક સારવાર બાદ ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

દ્વારકામાં વરલી રમતા ઝડપાયો

દ્વારકા નગરપાલિકા પાર્કિગમાં ઓટલા પર બેસીને વરલી મટકાના આંકડા વડે જુગાર રમી રહેલા જયોત ઉર્ફે ટકો કૌશિકભાઇ રાવલીયા નામના ૩ર વર્ષના યુવાનને પોલીસે મુદામાલ તથા રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.

છરી સાથે યુવાન ઝડપાયો

ભાણવડ તાલુકાના ટીંબડી ગામે રહેતા નથુ રાયશીભાઇ પરમારના ૪૦ વર્ષના યુવાનને પોલીસે છરી સાથે ઝડપી લઇ તેની સામે જી.પી.એકટની કલમ૧૩પ(૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ખંભાળિયામાં યુવાનને ફોન પર મારી નાખવાની ધમકી

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા વી.એન.ગોજીયા નામના શખ્સ દ્વારા તેના મોબાઇલ ફોન નં.૯૬ર૪પ રપ૦૯પ પરથી કલ્યાણપુર તાલુકના કેશવપુર ગામે રહેતા તુષારભાઇ લખુભાઇ હાથલીયા નામના ર૭ વર્ષના યુવાનને ફોન કરી, તું અમારા ગામની માહિતી શા માટે માંગે છે ? તેમ કહી, બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ખંભાળિયા પોલીસે તુષારભાઇ હાથલીયાની ફરિયાદ પરથી ફોન કરનાર વી.એન.ગોજીયા નામના શખ્સ સામે આઇ.પી.સી.કલમ પ૦૪ તથા પ૦૭ મુજબ ગુનો નોંધ્યો છે.

(1:15 pm IST)