Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમરેલીમાં લોટરીની લાલચ આપીને બેન્ક એકાઉન્ટમાંથી ૨૭.૫૮ લાખ ઉપાડી લીધા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨ : અમરેલી બહુમાળીભવનમાં ગીરીરાજનગર ૪માં રહેતા યોગીનભાઇ પ્રકાશભાઇ ગોહેલ (ઉવ.૨૧)ને કોઇ અજાણ્યા શખ્સે ફોન કરી સ્નેપડીલ કંપનીમાંથી વાત કરૂ છું. તેમ જણાવી ખોટી ઓળખ આપી લોટરીની લાલચ આપી વિશ્વાસમાં લઇ મોબાઇલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી છળકપટથી ઓટીપી નંબર મેળવી ત્રણ બેંક એકાઉન્ટમાંથી ૨૭,૫૮,૨૦૧ની છેતરપીંડી કર્યાનછ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 ડૂબી જતા મોત

સાવરકુંડલા તાલુકાના રામનગર ગામના જીવરાજભાઇ છગનભાઇ બોરડ (ઉવ.૭૯)ને અસ્થિર મગજ અને ડાયાબીટીસની બિમારી હોય તા. ૩૦/૧૦ થી ૩૧/૧૦ દરમિયાન કોઇ પણ સમયે પોતાના ઘરેથી નિકળીને હિંમતભાઇ બોરડની વાડીમાં આવેલ કુવામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યાનું અશોકભાઇ ભનુભાઇ બોરડે સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર કરેલ છે.

દારૂ પીધેલ ઝડપાયા

અમરેલી જિલ્લામાં દિવાળીના તહેવારો આવતા જિલ્લા પોલીસ વડા નિર્લીપ્તરાયની સુચના મુજબ પોલીસે વોચ ગોઠવીને જિલ્લામાં જુદા-જુદા સ્થળોએથી ૧૯૮ શખ્સોને ડ્રિંકસ અન્ડે ડ્રાઇવ દરમિયાન નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. જ્યારે જિલ્લામાં જુદા-જુદા ૪૩ સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી મહિલાઓ સહિત ૨૭ લોકોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જાફરાબાદમાં વર્ષાબેન રામદાસ બારૈયાને દેશી ૪ લી. રૂ. ૮૦, મંજુબેન હસમુખભાઇ સોલંકી ૪ લી. રૂ. ૯૦, ભગુ ઉર્ફે ભુટો રાજાભાઇ બારૈયા ૪ લી. રૂ. ૯૦, સાવરકુંડલામાં શારદાબેન મેઘજીભાઇ વાઘેલા ૪.લી. રૂ. ૯૦, અમરેલી ઠેબી નદી કાંઠે રણમલ જિલાભાઇ માવલીયા ૪ લી. રૂ. ૧૦૦, રામદેવ વિરમભાઇ ગુંગડા ૪ લી. રૂ. ૧૦૦, અમરેલી કુકાવાવ કાતનાકે ભાનુબેન હમીરભાઇ વાઘેલા ૩ લી, રૂ.૭૦, ચિતલમાં મગન કાનજીભાઇ સોલંકી ૭ લી., રૂ. ૧૫૦, ક્રાઇમમાં રેવાકડભાઇ ચારોલાને ૪ લી., રૂ.૧૦૦ બાબરાના મોટા દેવળીયામાં ગૌરીબેન કિશોરભાઇ વાઘેલાને ૪ લી. રૂ. ૯૦ સાથે ઝડપી પાડ્યા હતા.(૨૨.૩૬) 

પોરબંદર, તા. રઃ જિલ્લામાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા અંગે જાહેરનામુ જારી કરાયુ. 

દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક અને પર્યાવરણ તથા ધ્વનિ પ્રદુષણની વિપરીત અસરથી રક્ષવા માટે સુપ્રિમ કોર્ટ દ્રારા ફટાકડા ઉત્પાદન વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે. તથા દીવાળીના ફટાકડાનાં કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી પોરબંદર જિલ્લાનાં વીસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકતુ જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા જાહેર કરાયું છે. આ જાહેરનામું  તા.૨૫ નવેમ્બર સુધી અમલમાં રહેશે. 

દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૨૦.૦૦ થી રર.૦૦ સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારમાં રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.    

સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી. ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહી.

હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર માન્ય સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની સ્તર વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. પીઇએસઓ દ્વારા એવા અધિકૃત) માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર પીઇએસઓ ની સુચના પ્રમાણેનું ર્માકિંગ હોવું જરૂરી છે.

હોસ્પીટલ, નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.

કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.

ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહી, ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી.

લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ ભયજનક પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે પોરબંદર જિલ્લાના ચોપાટી, અસ્માતવતી રીવર ફન્ટ, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પમ્પ, એલ.પી.જી./બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહી.

કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન(ચાઈનીઝ તુકકલ/આતશબાજ બલન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. તેમજ સ્થાનિક કક્ષાએ સિનેમાગૃહો, લોકલ કેબલ ઓપરેટરોએ આ પ્રકારની જાહેરાતો અચૂકપણે દર્શાવવાની રહેશે. તેમ જાહેરનામામાં જણાવેલ છે.

(1:22 pm IST)