Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સુરેન્દ્રનગરનાં છાત્રાળાનાં દલિત શિક્ષકને કોઇ મકાન ભાડે દેતુ નથીઃ પ૬ વર્ષની ઉંમરે ૧પ૦ કિ.મી. કરવુ પડે છે અપડાઉન

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને શિક્ષક દ્વારા બદલીની માંગણી કરતા ખાત્રી અપાઇ

સુરેન્દ્રનગર તા. ર :.. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની એક સરકારી સ્કુલમાં ભણાવતા પ૦ વર્ષીય શિક્ષકને દરરોજ ૧પ૦ કિલો મીટર અંતર કાપીને ઘરેથી સ્કુલ આવવું - જવું પડે છે. જેનું કારણ છે કે, આ શિક્ષક શિડયુલ કાસ્ટ હેઠળ આવતાં વાલ્મિકી સમાજમાંથી આવે છે. જે ગામમાં આ શિક્ષક નોકરી કરે છે ત્યાંની પંચાયતે સત્તાવાર રીતે કહી દીધું છે કે, તેમને અહીં ઘર નહીં મળે કારણ કે ગામમાં વાલ્મિકી સમાજની વસાહત નથી.

પ૦ વર્ષીય કનૈયાલાલ બારૈયા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છાત્રાળા ગામના રહેવાસી છે. તેમને આ જ જિલ્લામાં આવેલી નિનામા સ્કુલમાં ટ્રાન્સફર અપાઇ હતી, જે ૭પ કિ. મી. દૂર આવેલી છે. 'હું શાળામાં હાજર થયો પછી મેં ગામમાં ભાડે ઘર શોધવા માટેની કવાયત શરૂ કરી હતી.

હું કયા સમાજમાંથી આવું છું તેવો પ્રશ્ન કરાયો હતો. મેં કહયું કે, હું વાલ્મિકી સમાજનો છું ત્યારે મને કહેવામાં આવ્યું કે, વાલ્મિકી સમાજના મકાનો અહી નથી માટે તમને ગામમાં ઘર ભાડે નહીં મળે, તેમ કનૈયાલાલે જણાવ્યું. ગામના સરપંચ અને તલાટીએ પણ ગ્રામ પંચાયતના લેટરપેડ પર ૧૬ ડીસેમ્બર ર૦ર૦ ના રોજ કનૈયાલાલને આ વાત લખીને આપી હતી. કનૈયાલાલે જણાવ્યું, મેં સામાજિક ન્યાય, શિક્ષણ વિભાગ સહિતના તમામ લાગતા વળગતા વિભાગને આ અંગે ફરીયાદ કરી હતી. આખરે ગત અઠવાડીયે સામાજિક ન્યાય વિભાગે શિક્ષણ વિભાગને મારી બદલી કરવા માટે પત્ર લખ્યો હતો. કનૈયાલાલનો દાવો છે કે તમણે પોતાની સ્થિતિ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ જણાવી છે અને બદલી કરી આપવા માટે વિનંતી કરી છે. મુખ્યમંત્રીએ મને કહ્યું કે, તેઓ આ દિશામાં પગલા લેશે.'

(1:19 pm IST)