Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

યુવાને મરતા પહેલા વીડિયો બનાવીને આત્મહત્યા કરી

જામખંભાળિયાના યુવાનનો આપઘાત : વીડિયોમાં આ યુવાને ૩ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત એક કિશોર દ્વારા ત્રાસ અપાતો હોવાની વિગત જાહેર કરી છે

દેવભૂમિ દ્વારકા,તા.૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના એક રઘુવંશી યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ યુવાને ગળે ફાંસો ખાધા પહેલા સ્યુસાઈડ નોટ લખી છે અને એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે આરોપીઓના નામ સ્પષ્ટ રીતે ઉચ્ચારી આ શખ્સો જ પોતાની આત્મહત્યા પાછળ કારણભૂત હોવાની કેફિયત આપી છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી તપાસનો ધમધમાટ આરંભ્યો છે. મૃતકના ભાઈ સુનિલ ઉનડકટે પોલીસ સમક્ષ ફરીયાદ નોંધાવી હતી. ખંભાળિયા શહેરમાં રહેતા રઘુવંશી દિલીપભાઈ શાંતિલાલ ઉનડકટ નામના યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ યુવાને ગળે ફાંસો ખાતા પહેલા એક સ્યુસાઈડ નોટ તૈયાર કરી હતી અને કેટલીક વિગતો આપતો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો. વીડિયોમાં આ યુવાને ત્રણ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત એક કિશોર દ્વારા ત્રાસ અપાતો હોવાની વિગત જાહેર કરી છે. તેઓની લખેલી સ્યુસાઈડ નોટ પોલીસે કબ્જે કરી છે. જે વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે તેણે ભારે ખળભળાટ મચાવ્યો છે.

         દિલીપભાઈના લગ્ન ચૌદ વર્ષ પહેલા જૂનાગઢ કરવામાં આવ્યા હતા. તેઓને સંતાનમાં એક પુત્રી છે અને હાલમાં તેમના પત્ની રીસામણે છે. મૃતકે પોતાના અંતિમ વીડિયોમાં જણાવ્યા મુજબ તેણે થોડા સમય પહેલા સંજય નાથા ચોપડા, દેવા નાથા ચોપડા અને કાયદાથી સંઘર્ષિત એક કિશોર સાથે કોઈ બાબતે માથાકૂટ થયા પછી દિલીપભાઈએ ફરીયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર છે. જેની ગત તારીખ ૧૭ના રોજ મુદ્દત હતી. તે પહેલાં રાત્રે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિ દિલીપભાઈના ઘેર આવ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે કોર્ટમાં તેઓની વિરુદ્ધ જુબાની આપશે તો ફરીથી હાથપગ તોડી નાખીશું તેવી ધમકી આપી હતી. ઉપરોક્ત ધમકી પછી ડરી ગયેલા દિલીપભાઈએ રાત્રે વીડિયો બનાવ્યા પછી પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આ યુવાને પોતાની પાસે પૈસા કે બીજી કોઈ વસ્તુ ન હોવાનો પણ વસવસો વ્યક્ત કર્યો છે. ઉપરોક્ત બનાવ પ્રકાશમાં આવ્યા પછી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આરોપીઓની અટકાયત કરી લીધીછે. ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરી અને ડીવાયએસપી નીલમ ગોસ્વામીના વડપણ હેઠળ પીઆઈ જુંડાલ તથા તેમની ટીમ તપાસ કરી રહી છે.

(9:07 pm IST)