Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં તોફાની પવનથી ડોમ તૂટયો : અફરાતફરી મચી ગઇ

ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે બનાવ : જો કે કોઇ જાનહાની નથી

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૨ : ભાવનગર જિલ્લાનાઘોઘા ખાતે જૈન સમાજનો ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ડોમ તુટ્યો હતો. જેથી ભારે અફરા તફરી મચી હતી. જોકે, સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ભારે પવનને લઈ આ ડોમ તુટ્યો હતો.

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. ત્યારે ઘોઘામાં ભારે પવનને લઈ જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં ડોમ તુટ્યો હતો. જેથી નાસભાગ મચી હતી. ઘોઘા બંદરે નવખંડા પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં આચાર્ય ભગવંત પ્રબોધચદ્રસૂરિ મહારાજની નિશ્રામાં મનોરીબાઈ કંવરલાલજી વૈદ્ય ગામ ફલોદીના સહયોગથી ૩૦૧ આરાધકો ઉપધાનતપની તપસ્યા આસ્થાપૂર્વક કરી રહ્યા છે.

આ કાર્યક્રમ દરમિયાન ઘોઘા નવખંડા પાર્શ્વનાથ ભગવાનના મંદિર ખાતેથી તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી, જેમાં સાધુ, સાધ્વીજી ભગવંતો , તપસ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ તેમજ ગામે ગામથી આવેલા ભાવિકો જોડાયા હતા અને ઘોઘાના પોલીસ ગ્રાઉન્ડ ખાતે બનાવેલા ડોમમાં પહોંચ્યા હતા. જયાં ભારે પવન ફૂંકાતા ડોમની બહાર બનાવેલો ગેટ ધરાશાયી થયો હતો. જેને લઈ નાસભાગ મચી હતી. જોકે, સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

આ ઘટનામાં સામાન્ય ઇજા પોહચતાં નજીકના ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ભાવનગર સર.ટી.હોસ્પિટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા , આ ઘટનાની જાણ ભાવનગર જૈન સમુદાયમાં થતાં જૈન સમાજના અગ્રણીઓ સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થવાથી હાશકારો અનુભવ્યો હતો.

(10:19 am IST)