Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કોરોનાની ચેતવણી વચ્ચે કચ્છમાં ગ્રામ પંચાયતની ચુંટણીઓની ગરમીએ ઠંડી ઉડાડી

૪૭૮ ગામોમાં ચુંટણી, ત્રણ દિ'માં ૫૯૨ ફોર્મ ભરાયા

ભુજ,તા. ૨: કોરોનાની બીજી લહેર પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બાદ શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોમાં કોરોનાએ મચવેલ કહેરની કળ માંડ માંડ વળી છે અને જન જીવન રાબેતા મુજબ થાળે પડી રહ્યું છે. ત્યાં જ ફરી નવા વેરિયેન્ટ સાથે કોરોનાની ચેતવણી વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે.

૧૯ મીએ કચ્છની ૪૭૮ ગ્રામ પંચાયતના સરપંચ અને હોદ્દેદારોની યોજાનાર ચૂંટણી દરમ્યાન ત્રણ દિ' માં સરપંચના ૧૩૩ અને સભ્ય માટેના ૪૫૯ ફોર્મ સાથે કુલ ૫૯૨ ફોર્મ ભરાયા છે. જોકે, હજી પણ ફોર્મ સ્વીકારવાનું ચાલુ હોઈ ઉમેદવારોની સંખ્યા ઘણી વધશે. આમ, અત્યારે એક બાજુ કોરોનાની ચેતવણી વચ્ચે શિયાળાની ઠંડી માં ચૂંટણીએ લોકોની ઠંડી ઉડાડી રાજકીય ગરમાવો સજર્યો છે. કોરોના સામે વડાપ્રધાન થી માંડી મુખ્યમંત્રી સહિત બધાં જ સાવધાન રહેવા ચેતવણી ઉચ્ચારે છે, વહીવટીતંત્ર સતત રસીકરણ માટે મહેનત કરે છે. ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનો પણ કોરોના સામે ચૂંટણી દરમ્યાન સાવધાની રાખે છે કે નહીં એ જોવું રહ્યું.

(10:43 am IST)