Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

લગ્ન પ્રસંગે ભડાકા કરનાર ઇસમોનો ફાકો ઉતારી નાખતી હળવદ પોલીસ

પરવાનાવાળુ હથિયાર અન્યોને ભડાકા કરવા આપવા બદલ ગુન્હો નોંધાયો

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૨ : તાલુકાના રાયધ્રા ગામે ગત તા.૨૮નના રોજ લગ્ન પ્રસંગમાં બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરવા પ્રકરણનો વિડીયો વાયરલ થયા બાદ હળવદ પોલીસે ભડાકા કરનાર ચાર શખ્સોને ગિરફતમાં લઈ પરવાના વાળુ હથિયાર અન્યોને ઉપયોગ કરવા સબબ આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરતા આરોપીઓને હવામાં ભડાકા કરવા ભારે પડયા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે ગત તા.૨૮ના રોજ શંકરભાઇ ખેંગારભાઈ કોળીની પુત્રીના લગ્ન હોય ગામમાં ખેંગારભાઈ ગાડુભાઈ કુકવાવા, દેહરભાઈ ખેંગારભાઈ કુકવાવા, કેહરભાઈ ખેગારભાઈ કુકવાવા તથા દિલિપભાઈ ઉર્ફે દિલાભાઇ માલાભાઈ કોળી નામના શખ્સોએ સંગીતના તાલે નીકળેલા ફૂલેકામાં ફાયરિંગ કર્યા હતા. જે અંગેનો વિડીયો વાયરલ થતા જિલ્લા પોલીસવડા અને નાયબ જિલ્લા પોલીસ વડાએ ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા.

દરમિયાન હળવદ પોલીસેના ઇન્ચાર્જ પી.આઇ એ.એ જાડેજા, પીએસઆઇ, ટાપરિયા સહિતના ઓ દ્વારા ગણતરીની કલાકોમાં જ હવામાં ભડાકા કરનાર ચારેય આરોપીઓને ગિરફતમાં લઈ પૂછતાછ કરતા આરોપીઓએ ગુન્હાની કબૂલાત આપતા ચારેય વિરૂદ્ઘ આર્મસ (એમેન્ડમેન્ટ) એકટ ૨૦૧૯ ની કલમ ૨૫(૯), ૨૭, ૩૦ તથા ઇ.પી.કો.કલમ ૩૩૬,૧૮૮ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:37 am IST)