Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જુદા-જુદા પક્ષમાં જોડાવાનાં મનદુઃખથી ભાજપનાં કાર્યકર પર મતદાન દરમ્‍યાન આમ આદમી પાર્ટીના કાર્યકરોનો હુમલો

માળીયાનાં ગળોદર ગામના બનાવથી ચકચાર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા. ૨ : જુદા-જુદા પક્ષમાં જોડાવાના મનદુઃખમાં વિધાનસભા ચૂંટણીનાં મતદાન દરમ્‍યાન જૂનાગઢ જિલ્લાનાં માળીયાહાટીના તાલુકાનાં ગળોદર ગામે ભાજપના કાર્યકર ઉપર આમ આદમી પાર્ટીના ૬ કાર્યકરોએ હુમલો કરતાં સનસની મચી ગઇ હતી.

જૂનાગઢ ગળોદર ગામનાં ૨૮ વર્ષીય જયેશભાઇ લખમણ મજેઠીયા અને દિપક લખુભાઇ સિંધવ અગાઉ કોંગ્રેસમાં હતા. પરંતુ દિપક સિંધવ વગેરે આમ આદમી પાર્ટીમાં અને જયેશ મજેઠીયા ભાજપમાં જોડાય ગયા હતા.

ગઇ કાલે વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલુ હતું. ત્‍યારે બંને વચ્‍ચે બોલાચાલી થઇ હતી.

બાદમાં જૂના મનદુઃખથી દિપક સિંધવ, પિયુષ લખુભાઇ પરમાર, દિલાવર અમરાભાઇ સિંધવ, ઘનશ્‍યામભાઇ રણવીરભાઇ સિંધવ, ધર્મેશ રણવીરભાઇ સિંધવ અને વિજય ઘેલાભાઇ  ઉભડીયાએ ગેરકાયદે મંડળી રચી જયેશભાઇને ઢીકાપાટુનો મારમારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે અત્રે જયેશભાઇ મજેઠીયાની ફરિયાદ લઇ પોલીસે હુમલા ખોરો સામે રાયોટીંગનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ બી.કે. ચાવડા ચલાવી રહ્યા છે.

(12:39 pm IST)