Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વડાપ્રધાન સાથેનો ‘પરિક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ મુંદ્રાની અદાણી પબ્લીક સ્કૂલમાં યોજાયો

બાળકોને વડાપ્રધાન પાસેથી મળ્યો સફળતાનો ગુરૂમંત્ર અને પરીક્ષાની ટિપ્સ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિદ્યાર્થીઓ સાથેના સંવાદનો કાર્યક્રમ મુંદ્રા સ્થિત અદાણી પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો હતો.

‘પરિક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દેશભરની શાળાઓના પરિક્ષાર્થીઓએ ભાગ લઈ વડાપ્રધાન સાથે ઓનલાઇન વિડીયો કોન્ફરસીંગથી સંવાદ કર્યો. જેમાં મુંદ્રા તાલુકામાં અદાણી પબ્લીક સ્કૂલની પસંદગી કરાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાના તણાવને દૂર કરવાનો અને વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણમાંથી મુક્ત રાખવાનો છે.

‘પરિક્ષા પે ચર્ચા’ કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મોદી સર પાસેથી સફળતાનો ગુરૂમંત્ર અને પરીક્ષાની ટિપ્સ મેળવવા વિદ્યાર્થીઓ સહિત શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુન્દ્રા નગર પાલિકાના પ્રમુખ શ્રી કિશોરસિંહ પરમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને ચિંતા મુક્ત રીતે પરીક્ષા આપવા માર્ગદર્શન કર્યું હતું. કિશોરસિંહ પરમાર અને પ્રિન્સિપાલ ડૉ. મયુર પાટડિયાની આગેવાનીમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ APSના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું.

વડાપ્રધાને પરીક્ષાને કારણે ઊભા થતા તણાવથી બચવા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ‘પરીક્ષા પે ચર્ચા મારી પણ પરીક્ષા છે અને દેશના કોટિ-કોટિ વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે. આ પરીક્ષા આપવામાં મને આનંદ આવે છે’.

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે. ‘ચિંતા ન કરો, બસ તણાવ મુક્ત અને પ્રફુલ્લિત રહીને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની કોશિષ કરો. આત્મનિરિક્ષણ દ્વારા સ્વયંની ક્ષમતાઓને ઓળખો અને પછી તેને આકાંક્ષાઓ સાથે જોડવાનો પ્રયત્ન કરો. ફક્ત પરીક્ષા માટે જ નહીં પરંતુ જીવનમાં પણ આપણે સમયના મેનેજમેન્ટ માટે જાગૃત રહેવું જોઈએ.

વડાપ્રધાને વિદ્યાર્થીઓને નકલથી સાવધાન રહેવા અપીલ કરતા કહ્યું કે, જીવન નકલથી બનતું નથી. મહેનત કરનારની મહેનત જીંદગીમાં રંગ લાવે છે. ચોરી કરનાર વ્યક્તિ ક્યારેક સફળ થાય પણ મહેનતનું ફળ કોઈ ન લઈ શકે.

પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રાલય તરફથી રાજઘાટ, સદાવિદ્ અટલ, વડાપ્રધાન મ્યુઝિયમ, કર્તવ્ય પથ જેવા મહત્વના પર્યટન સ્થળોએ માટે લઈ જવામાં આવશે. આ પ્રોગ્રામની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ 25 નવેમ્બરથી 30 ડિસેમ્બર, 2022 સુધી નોંધણી કરાવી હતી.

(10:01 am IST)