Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રાણપુરની સીમમાં શિવકૃપા ફાર્મમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૭.૮૫ લાખનો દારૂ પકડાયો

પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમે વાડીમાંથી કાળુ શિયાળને પકડયોઃ વાડી માલિક જયદિપસિંહ જાડેજા તથા શક્‍તિસિંહ પરમારના નામ ખુલ્‍યા

જપ્‍ત થયેલા લાખોના દારૂના જથ્‍થા સાથે ઝડપાયેલો વાડીનો રખેવાળ-મજૂર કાળુ શિયાળ નજરે પડે છે

રાજકોટ તા. ૩: વિદેશી દારૂની હેરફેર  સતત થતી રહે છે. પોલીસ સમયાંતરે લાખોના દારૂ સાથે નાના મોટા બૂટલેગરોને દબોચતી રહે છે. પરંતુ ફરીથી ગેરકાયદે દારૂનો જથ્‍થો ઠલવાતો રહે છે. શહેર ક્રાઇમ બ્રાંચે વધુ એક વખત લાખોનો દારૂ પકડી લીધો છે. કુવાડવાના રાણપુર ગામની સીમમાં આવેલા એક ફાર્મ-વાડીમાં દારૂનો મોટો જથ્‍થો ઉતર્યો હોવાની પાક્કી બાતમીને આધારે દરોડો પાડવામાં આવતાં રૂા. ૭,૮૫,૭૬૦નો ૧૯૩૨ બોટલ દારૂ મળ્‍યો હતો. વાડીમાં હાજર એક શખ્‍સની ધરપકડ કરવામાં આવી છે. જ્‍યારે વાડી માલિક સહિત બે શખ્‍સના નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દારૂને લગતી પ્રવૃતિ સદંતર બંધ કરવા અને અસરકારક કામગીરી કરવા મળેલી સુચનાને આધારે ક્રાઇમ બ્રાંચના પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્‍સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી અને કોન્‍સ. ચેતનસિંહ ગોહિલને બાતમી મળતાં રાણપુરની સીમમાં આવેલી શિવકૃપા ફાર્મ નામની વાડીમાં દરોડો પાડવામાં આવ્‍યો હતો.

પોલીસે તપાસ કરતાં વાડીમાંથી ઓલ સિઝન્‍સ ગોલ્‍ડન કલેક્‍શન વ્‍હીસ્‍કીની ૪૫૬ બોટલો તથા મેકડોવેલ્‍સ નંબર ૧ની ૧૩૬૮ બોટલો અને રોયલ ચેલેન્‍જ વ્‍હીસ્‍કીની ૧૦૮ બોટલો મળી કુલ રૂા. ૭,૮૫,૭૬૦નો ૧૯૩૨ બોટલ દારૂ મળી આવ્‍યો હતો. આ વખતે વાડીમાં હાજર રહેલા મજૂર કાળુ ભીખાભાઇ શિયાળ (ઉ.૪૦-રહે રાણપુર જયદિપસિંહની વાડીમાં, મુળ જુના વાઘણીયા બગસરા)ની ધરપકડ કરવામાં આવી હતી.

પકડાયેલા શખ્‍સની પુછતાછમાં આ દારૂનો જથ્‍થો શક્‍તિસિંહ વાઘુભા પરમાર (રહે. રાજકોટ)એ ઉતાર્યો હોઇ તેને તથા વાડી માલિક વાડી માલિક જયદિપસિંહ વિક્રમસિંહ જાડેજા (રહે. રાજકોટ)ના પણ આરોપીમાં નામ સામેલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બંને ઝડપાયા બાદ દારૂ ક્‍યાંથી લાવ્‍યા અને કોને કોને આપવાનો હતો? તેની વિગતો બહાર આવશે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, એએસઆઇ બી. જે. જાડેજા અને સાથેના મહિલપાલસિંહ, કનકસિંહ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, ચેતનસિંહ ગોહિલ તથા કિશોરસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(11:25 am IST)