Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ખંભાળિયા માનવ સેવા સમિતિ દ્વારા નેત્ર-દંત યજ્ઞ યોજાયો

(કૌશલ સવજાણી દ્વારાં)ખંભાળિયા તા. ૩ : સેવાકીય સંસ્થા માનવ સેવા સમિતિ દ્વારા નેત્ર-દંત યજ્ઞના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

લલીતાબેન પ્રેમજીભાઇ બદિયાણી હોસ્પીટલ ખાતે યુ.કેના નથવાણી પરિવાર તથા અન્ય દાતાઓના સહયોગથી નેત્રનિદાન તથા સારવાર, ઓપરેશન, દંત ચિકિત્સા કેમ્પ તથા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૨૧૬ દર્દીઓએ લાભ લીધો હતો તથા ૩૮ દર્દીઓને ઓપરેશનની જરૃર જણાતા તેમને રણછોડદાસજીની હોસ્પીટલ રાજકોટમાં લઇ જઇ ઓપરેશન કરાવી પરત લાવવા વ્યવસ્થા કરાઇ હતી.

માનવ સેવા સમિતિના ટ્રસ્ટી જગદીશભાઇ ચાવડાએ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. સમિતિના પ્રમુખ ધીરેનભાઇ બદીયાણીએ દાતાઓની ભાવના બિરદાવી સંસ્થાની પ્રવૃતિઓ અંગે જાણકારી આપી હતી. મુખ્ય મહેમાન ભાજણ શહેર પ્રમુખ અનિલભાઇ તન્નાએ હોસ્પિટલ તથા સંસ્થાના સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. તથા પુર્વ રાજયમંત્રી ડો. રણમલભાઇ વારોતરીયાએ સેવાકીય પ્રવૃતિનો વ્યાપ ગ્રામ્ય પંથકમાં પણ ફેલાવવા અપીલ કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીઓ મનુભાઇ પાબારી, વિમલભાઇ સાયાણી, નાથાભાઇ બદીયાણી, સુભાસ બારોટ હોસ્પીટલના મેનેજર અભિષેક સવજાણી, રાહુલ કણઝારીયા, ડો. ક્રિષ્નાબેન મોરઝરીયાએ મદદ કરી હતી.

યુકેના રઘુવંશી દાતા પ્રફુલભાઇ નથવાણીએ પ્રતિ વર્ષ આવા કેમ્પ યોજવા સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી.

(11:53 am IST)