Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જસદણ-આટકોટ વચ્ચેના માત્ર ૫ કી.મી.ના અંતરમાં સાઈનબોર્ડમાં મસમોટી ક્ષતિઓ, ૪ જેટલા બોર્ડ સાવ તૂટી ગયા, અમુક બોર્ડ વૃક્ષના છાંયડે ઉભા છે

એક સાઈનબોર્ડમાં તો બગોદરા ૧૪૩ કી.મી.ના બદલે માત્ર ૪૩ કી.મી. જ લખેલું નજરે દેખાઈ રહ્યું છે

(નરેશ ચોહલીયા દ્વારા)જસદણ,તા.૩ :   તાજેતરમાં બનેલા જસદણ-આટકોટ ફોરલેન રોડમાં જેતે કોન્ટ્રાકટર દ્વારા લગાવવામાં આવેલા સાઈનબોર્ડમાં વિવિધ ક્ષતિઓ જોવા મળતા વાહનચાલકો ખોટી દિશામાં ધકેલાઈ રહ્યા છે. આ બોર્ડ વાહનચાલકો માટે મુકવામાં આવ્યા હોવાથી કોઈ અજાણ્યા વાહનચાલકો આ સાઈનબોર્ડને જોઈને પોતાની દિશા નક્કી કરી શકતા હોય છે. પરંતુ તંત્રની બેદરકારીના લીધે મોટાભાગના વાહનચાલકો ક્ષતિવાળા સાઈનબોર્ડના લીધે દિશા ભટકી રહ્યા છે.

વધુમાં જસદણથી આટકોટ વચ્ચેના માત્ર ૫ કી.મી.ના અંતરમાં ૪ જેટલા સાઈનબોર્ડ તો સાવ તૂટેલી હાલતમાં જ જોવા મળી રહ્યા છે. જ્યારે ૪ જેટલા મુખ્ય સાઈનબોર્ડમાં મસમોટી ક્ષતિઓ જોવા મળી રહી છે અને અમુક સાઈનબોર્ડ તો વૃક્ષોના છાંયડે આરામ ફરમાવી રહ્યા છે. વધુ શરમજનક બાબત એ ગણી શકાય કે, જસદણ નજીક એક સાઈનબોર્ડમાં તો બગોદરા ૧૪૩ કી.મી.ના બદલે માત્ર ૪૩ કી.મી. જ લખેલું નજરે દેખાઈ રહ્યું છે. જેના કારણે વાહનચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોવાથી વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે.

નવાઈની વાત તો એ છે કે આ જસદણ-આટકોટ ફોરલેન રોડ પરથી નિયમિત સરકારી બાબુઓ પણ પસાર થાય છે. છતાં આ રોડમાં લગાવેલા સાઈનબોર્ડની ક્ષતિઓ તેમજ તૂટેલા સાઈનબોર્ડ તેમને નજરે દેખાતા નથી. જેથી જેતે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે જસદણ-આટકોટ ફોરલેન રોડમાં લગાવેલા સાઈનબોર્ડની ક્ષતિઓ સુધારી તૂટેલા બોર્ડને ફરી મઢવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે. જ્યારે સ્વંછીયા ગામના અંગ્રેજીમાં સ્પેલીંગ ભુલ જણાય છે.

(11:58 am IST)