Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

પ્રમુખ કેશુભાઈ પટેલેમધ્યમ વર્ગ માટે ગણાવી મોટી ભેટ-નવી ટેકસ સીસ્ટમમાં ૭ લાખ સુધીની આવક કરમુકત

કેન્દ્ર સરકારના અમૃતકાળ બજેટને કચ્છ ભાજપનો આવકાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩:  કેન્દ્રીય નાણામંત્રીશ્રી નિર્મલા સીતારામનજીએ દેશના આમઆદમીની અપેક્ષા મુજબનું બજેટ રજુ કરતા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે આ અમૃતકાળ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યમ વર્ગને નવી ટેકસ સીસ્ટમમાં ૭ લાખ સુધીની આવક કરમુકત કરીને ખુબ જ મોટી રાહત આપી છે. આ વર્ષનું બજેટ મહિલાઓ, ખેડૂતો તેમજ શ્રમિક વર્ગ માટે સર્વાંગી ઉન્નતી અને ઉત્કર્ષ કરાવતું લોક કલ્યાણકારી બજેટ ગણાવ્યું હતુ. આ વર્ષથી ખેડૂતોને ડિજીટલ ટ્રેનીંગ અને મહિલાઓને આર્થિક સશકિતકરણ પર ભાર મૂકીને મોદી સરકારે સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર વાસ્તિવિક અર્થમાં ચરિતાર્થ કર્યું છે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ડેરી અને પશુપાલન પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત કૃષિ ધિરાણનો લક્ષ્યાંક પણ વધારીને રૃ.૨૦ લાખ કરોડ કરવામાં આવશે. આગામી ૩ વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે સહાય આપવામાં આવશે. ૧૦,૦૦૦ બાયો ઈનપૂટ રિસોર્સ સેન્ટર સ્થાપવામાં આવશે. ઉપરાંત બજેટમાં ૭ પ્રાથમિકતાઓમાં ખેડૂતો માટે ઈન્ફ્રાસ્ટ્રકચર, છેવાડાના નાગરીક સુધી સુવિધા, જાહેર ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ, હરીતક્રાંતિ અને રોજગારવૃદ્વિના મંત્ર સાથે દેશનો વિકાસ જેટ ગતિએ આગળ વધશે. પી.એમ. ગરીબ કલ્યાણ યોજના માટે એક લાખ કરોડનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહયો છે જે અંતર્ગત તમામ અંત્યોદય તેમજ પ્રાથમિકતા ધરાવતા પરિવારોને એક વર્ષ માટે મફત અનાજ વિતરણ કરવા માટે છે. કોવિડ પ્રભાવિત એમ.એસ.એમ.ઈ.ને ૯૫% મદદ, એમ.એસ.એમ.ઈ. લોન માટે ૨ લાખ કરોડની જોગવાઈ, મહિલા સન્માન બચત પત્રની જાહેરાત, વન ડિસ્ટ્રિકટ, વન પ્રોડકટ, અને જી.આઈ. પ્રોડકટસ અને હેન્ડીક્રાફટના પ્રમોશન અને વેચાણ માટે રાજયની રાજધાની અથવા રાજયના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળમાં 'યૂનિટી મોલ' સ્થાપિત કરવા માટે રાજયોને પ્રોત્સાહિત કરવામાં આવતા ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બનશે તેમજ વિશ્વમાં ભારતનું કદ વધશે. આજના અમૃતકાળ બજેટને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા સમાજના સર્વસ્તર અને વર્ગના લોકોને સ્પર્શે એવું સમતોલ, સ્વાવલંબી અને સક્ષમ બજેટ ગણાવાયું હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું

(12:00 pm IST)