Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં બધા જ દોષિતોના નામ ચાર્જશીટમાં દાખલ કરવા, પાલિકાને સુપરસીડ કરવા માંગ

મોરબી તા ૩ : મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ બાવરવાએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને આ દુર્ઘટનાના તમામ આરોપીઓના નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવે અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્‍યું છે કે, ઝૂલતા પુલની સાર સંભાળ રાખવાની જવાબદારી નગરપાલિકાની હતી પરંતુ પાલિકાએ આ જવાબદારી ઓરેવા કંપનીને આપી હતી અને તેના કરાર પણ કર્યા હતા. તો આ કરાર સમયે જે કાંઈ મુદ્દાઓને ધ્‍યાનમાં લેવામાં આવ્‍યા હતા તેની તપાસ કરવામાં આવી હતી કે કેમ ? અને કામ પૂર્ણ થઈ ગયા બાદ ઝૂલતો પુલ કંપની દ્વારા ચાલુ કરવામાં આવ્‍યો હતો તેની જાણ પાલિકાને હતી કે કેમ ? તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવે. આ મામલે ચૂંટાયેલા પાલિકાના સદસ્‍યો, અધિકારીઓનો દોષ છે કે કેમ તે અંગે પણ લોકોમાં ચર્ચા થઈ રહી હોવાનું કાંતિલાલ બાવરવાએ જણાવ્‍યું હતું. સાથે જ હાઇકોર્ટના આદેશ અનુસાર મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે અને જવાબદાર દરેક ચૂંટાયેલા અને સરકારી નોકરીયાત કર્મચારીઓને પણ ગુનેગાર ગણીને તપાસ કરી ચાર્જશીટમાં તેઓના પણ નામ દાખલ કરવામાં આવે અને યોગ્‍ય સજા કરવામાં આવે તેવી મુખ્‍યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

(12:56 pm IST)