Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વીજચોરો સામે તંત્રની લાલ આંખ : દેવભૂમિ દ્વારકાના કલ્‍યાણપુર તાલુકાના વિસ્‍તારોમાં પીજીવીસીએલના વ્‍યાપક દરોડા

રાણ ગામે વીજ ચેકીંગ ટીમ પર હુમલા બાદ પીજીવીસીએલ દ્વારા કડક વલણ દાખવી, પૂરતા પોલીસ રક્ષણ સાથે ફરી રાણ ગામે ચેકીંગ હાથ ધરાયું : વીજ ચેકીંગમાં ત્રાટકેલી કુલ ૩૩ ટીમોએ ૧૭.૨૦ લાખની વીજચોરી પકડી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૩: ઇન્‍સ્‍ટોલેશન ચેકિંગ ડ્રાઇવના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા વિભાગીય કચેરી હેઠળની કલ્‍યાણપુર તેમજ ભાટીયા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્‍તારોમાં એસ.આર.પી. સ્‍ટાફ તથા પોલીસ સ્‍ટાફના ચુસ્‍ત બંદોબસ્‍ત હેઠળ ઇજનેરીની કુલ ૩૩ જેટલી વિજચેકીંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્‍યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૩૬૯ જેટલા વીજજોડાણે ચકાસવામાં આવ્‍યા હતા. જે પૈકી ૬૧ વીજજોડાણોમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતા કુલ રૂા. ૧૭.૨૦ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્‍યા હતા.

કલ્‍યાણપુર તાલુકાના રાણે ગામે વીજ ચેકીંગ દરમ્‍યાન રાણ ગામના સ્‍થાનિક રહેવાસી આસામી ભાવેશભાઇ ઉર્ફે ભીમાભાઇ રણમલભાઇ હડીયલ, નિકુંજભાઇ હડીયલ, યોગેશભાઇ હડીયલ અને મોહનભાઇ લીરાભાઇ ડાભી દ્વારા વીજ ચેકિંગ ટીમના જુનીયર ઇજનેર કે.ડી.કોચરા પર હુમલો કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરેલ. જે સબબ ચેકીંગ ટીમ દ્વારા કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન ખાતે એફ.આર.આર. નોંધવામાં આવેલ છે. અને ફરી રાણ ગામે પૂરતા પોલીસ બંદોબસ્‍ત સાથે વીજ ચેકીંગ હાથ ધરી રાણ ગામમાંથી કુલ ૧૦ વીજ જોડાણોમાં વીજ ગેરરીતિ માલૂમ પડતા કુલ ૩.૪૦ લાખના દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્‍યા છે. સદર હુમલામાં સંડોવાયેલા આરોપીને ત્‍યાં પણ ચેકિંગ કરતા મીટર વિના બિન-અધિકૃત રીતે પોલી પરથી ડાયરેક્‍ટ વીજ જોડાણ સબબ વીજ ચોરીનો કેસ કરવામાં આવેલ છે અને પુરવણી બીલ ઇસ્‍યુ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:24 pm IST)