Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ચેરમેન અશ્વિન સાવલીયા, વાઇસ ચેરમેન મુકેશ સંઘાણી

અમરેલી જીલ્લામાં શ્વેતક્રાંતિની ધરોહર અમર ડેરીની ચૂંટણી

અમરેલી,તા. ૩: જીલ્લામાં શ્‍વેતક્રાંતિના સર્જન સાથે રોજગારીનું સર્જન કરવાનું સ્‍વપ્‍ન એન.સી.યુ.આઇ, ઇફકો, અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સેવ્‍યું અને તેના ફળસ્‍વરૂપ અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘનું નિર્માણ થયું જે ટુંકાગાળામાં ‘અમર ડેરી' તરીકે અગ્રેસર બની, અસંખ્‍ય લોકોને પ્રત્‍યક્ષ કે પુરક રોજગારી આપી રહેલ છે. આ સહકારી સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક મંડળની મુદત પૂર્ણ થતા ચૂંટણી અંગેની પ્રક્રિયા હાથ ધરાયેલ.

જીલ્લાની શ્‍વેતક્રાંતિ અને આર્થિક જીવાદોરી સમાન ‘અમર ડેરી'ના ચેરમેન વાઇસ ચેરમેન તરીકેની મુદત પૂર્ણ થતા યોજાયેલ દૂધ સંઘની બોર્ડ મીટીંગમાં સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી અને કેન્‍દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાના માર્ગદર્શનમાં ચેરમેન તરીકે અશ્વિનભાઇ સાવલીયા જ્‍યારે વાઇસ ચેરમેન તરીકે મુકેશ સંઘાણી પુનઃઆરૂઢ થયા હતા. અશ્વિન સાવલીયાના નામની દરખાસ્‍ત દિલીપ સંઘાણી દ્વારા રજુ કરવામાં આવેલ જેને અરૂણભાઇ પટેલ એ ટેકો આપેલ તેમજ વાઇસ ચેરમેનના નામની દરખાસ્‍ત માવજીભાઇ ગોલ દ્વારા મુકવામાં આવેલ જેને રાજેશભાઇ માંગરોળીયાએ ટેકો જાહેર કરેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાવલીયા-સંઘાણીના નેતૃત્‍વમાં ૨૫,૦૦૦ થી પણ વધુ પશુપાલકો રોજગારી મેળવી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્‍ચે પણ એકમાત્ર અમર ડેરી દ્વારા પશુપાલનની રોજગારી ચાલુ હતી અને દર મહિને ૨૫ કરોડ જેવી માતબર રકમ ચુકવવામાં આવી હતી. અમર ડેરી અમરેલીની જીવાદોરી છે ત્‍યારે આગામી દિવસોમાં પણ વધુમાં વધુ લોકોને રોજગારી મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.

(1:37 pm IST)