Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કેરળના વિદ્યાર્થીનો ફોન જૂનાગઢ પોલીસે શોધ્‍યો

જૂનાગઢ તા. ૩ : કેરળ રાજ્‍યના નિવાસી અને જૂનાગઢ ખાતે અભ્‍યાસ કરતા વિધાર્થીનો ખોવાયેલ મોબાઇલ ફોન વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ હતો.

અરજદાર વરુણ સ્‍કંદન મુળ કેરળ રાજ્‍યના નિવાસી હોય અને જૂનાગઢ ખાતે અભ્‍યાસ અર્થે આવેલ હોય, તેઓ જૂનાગઢ બસ સ્‍ટેન્‍ડ પાસે કોઇ કામથી ગયેલ હોય તે દરમ્‍યાન કોઇ ટુ-વ્‍હીલ ઉપર તેમણે પોતાનો રૂ. ૨૦,૦૦૦/- ની કીંમતનો IQOO Z3 5G મોબાઇલ ફોન રાખેલ હોય, થોડા સમય બાદ તેમનો મોબાઇલ ફોન તે સ્‍થળ ઉપર જોવા ના મળતા તે અને તેમના મીત્રો વ્‍યથીત થઇ ગયેલ હતા, અને આ બાબતની જાણ જૂનાગઢ શહેરના બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પી.આઇ. એન.એ.શાહ ને કરતા પી.આઇ. એન.એ.શાહ દ્રારા નેત્રમ શાખાના (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) અને બી ડીવીઝન પો.સ્‍ટે. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જૂનાગઢ ડી.વાય.એસ.પી. એચ.એસ.ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ બી.ડીવી.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. એન.એ.શાહ, પો.કોન્‍સ. સંજયભાઇ માલમ તથા નેત્રમ શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હે.કોન્‍સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્‍સ. રાહુલગીરી મેઘનાથી, એન્‍જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જે સ્‍થળે તેઓ પસાર થયેલ હતા તે સ્‍થળના વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ cctv ફૂટેજ ચેક કરતા જે ટુ વ્‍હીલ ઉપર તેમનો મોબાઇલ ફોન હતો તે ટુ વ્‍હીલ ચાલક ટુ-વ્‍હીલ લઇ અને જતા રહેલ. cctv ફૂટેજ  દ્વારા તે ટુ-વ્‍હીલ ચાલકનો સ્‍પષ્ટ ચહેરો તથા વાહન નંબર શોધી કાઢેલ.

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ દ્વારા ટુ વ્‍હીલ ચાલકને શોધી ગણતરીની કલાકોમાં વરુણ સ્‍કંદનનો રૂ. ૨૦,૦૦૦/- ની કીંમતનો IQOO Z3 5G મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્‍કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને વરુણ સ્‍કંદન દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(1:38 pm IST)