Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ભાવનગર જિલ્લાના કણકોટ ગામના ખેડૂત રમેશભાઇ પટેલે કેળની ખેતી કરી કેળાનું બમ્‍પર ઉત્‍પાદન કર્યુઃ વીઘા દીઠ એક લાખની કમાણી

સૌરાષ્‍ટ્રમાં ભાવનગર પંથકમાં 1100 હેક્‍ટર જમીનમાં કેળનું વાવેતર

ભાવનગર: ભાવનગર જિલ્લાના કણકોટ ગામના ખેડૂત કેળની ખેતી થકી લાખો રૂપિયાનું ઉપાર્જન મેળવી રહ્યા છે, ઓછા ઉત્પાદને પણ સારો ભાવ મળતા કેળાના વેચાણમાં વીઘા દીઠ ખેડૂતો એક લાખની આવક મેળવી રહ્યા છે, જેમાં આજે કેળાના વેચાણમાં 450 રૂપિયા જેટલા ઐતિહાસિક ગણી શકાય એવા સૌથી વધુ ભાવ મળતા કેળની ખેતી કરતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે, ખાસ તો બાગાયતી ખેતીમાં એક વખત વાવણી કર્યા પછી લાંબા ગાળા સુધી ઉત્પાદન મળતું હોવાથી ખેડૂતો બાગાયતી ખેતી વધુ પસંદ કરી રહ્યા છે, જે ખેતીમાં જમીન ને અનુકૂળ આવે તેવા પ્રકારના ફળાવ વૃક્ષોના વાવેતર થકી લાખોની આવક પણ મેળવતા થયા છે, ફળાઉ પાકમાં કેળની ખેતી સૌથી સારી અને ઓછા ખર્ચ વાળી ગણાય છે, જેમાં એક વખત વાવેતર કાર્ય પછી ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી ઉત્પાદન મેળવી શકાય છે. કેળના વાવેતર કરનાર ખેડૂતોને સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવે છે અને ખેડૂતો તેનો લાભ લઈ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં એક માત્ર ભાવનગર જિલ્લામાં કેળનું વાવેતર કરવામાં આવે છે, હાલ જિલ્લામાં 1100 હેકટર જમીનમાં કેળનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે જમીનની હેકટર દીઠ ઉત્પાદક ક્ષમતા 46.13 મેટ્રિક ટન હોવાથી દરવર્ષે ભાવનગર જિલ્લામાં 53 હજાર મેટ્રિક ટન કેળાનું ઉત્પાદન થાય છે, ત્યારે ચાલુ વર્ષે ઉત્પાદન ઓછું થયું હોવા છતાં અન્ય જિલ્લામાં કેળનો ફાલ પૂર્ણ થઈ ગયો હોવાથી ભાવનગર જિલ્લાના ખેડૂતોને કેળાના સારા ભાવ મળી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના કણકોટ ગામના રમેશભાઈ પટેલ એ પોતાની વાડી પૈકી અઢી વીઘા જમીનમાં કેળનું વાવેતર કર્યું છે, અને હાલ સીઝન પુરબહારમાં ખીલી હોવાથી કેળ નો પાક પણ સારો આવ્યો છે, અને તેઓને કેલ ના પાક માથી એક વીઘા દીઠ એક લાખ રૂપિયા જેવા સારા ભાવ મળી રહ્યા છે.

(5:54 pm IST)