Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

બાળકોની આંગળી પકડી સરકાર કચ્છમાં એક છત્રછાયા હેઠળ તૈયાર કરી રહી છે ખેલના મહારથીઓ

રાજયભરના બાળકો આર્ચરી, હોકી અને વોલીબોલના દાવપેચ શીખી રહ્યા છે, *નિષ્ણાંત ગુરૂઓના સાંનિધ્યમાં આંતરરાષ્ટ્રીયકક્ષાની તાલીમ, સાધનો, હોસ્ટેલની સુવિધા, નિ:શુલ્ક અભ્યાસ, વિશિષ્ટ ડાયટ સાથે જરૂરી તાલીમથી તૈયાર થતા રમતવીરો ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૩

 રાજયના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે રૂચી કેળવવા, રમતગમત ક્ષેત્રમાં ઉચ્ચતમ સિધ્ધિઓ હાંસલ કરવા અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે સક્ષમ બનાવવા રાજય સરકાર દ્વારા ખેલમહાકુંભની શરૂઆત કરવામાં આવી છે. આ ખેલમહાકુંભમાંથી બહાર આવેલા પ્રતિભાશાળી ખેલાડીઓને રસની રમતમાં જરૂરી તાલીમ, ડાયટ, અને સાધનોની સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર રાજયભરમાં ડિસ્ટ્રીકટ કક્ષાની સ્પોર્ટસ સ્કુલો ચલાવી રહી છે. આવી જ એક સ્કૂલની ભેટ સરકારે સરહદી કચ્છને આપીને અત્યારસુધી ખેલજગતના અનેક રમતવીરો  તૈયાર કર્યા છે તેમજ ભવિષ્યના મહારથીઓ તૈયાર કરી રહી છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ

પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરીતાર્થ કરવા એક સંયોજિત યોજના હેઠળ જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ વર્ષ ૨૦૧૩-૧૪ થી અમલમાં મુકવામાં આવી છે જેમાં સરહદી કચ્છમાં પણ ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે એક સ્પોર્ટસ સ્કૂલ ફાળવાઇ છે. માધાપરની એમ.એસ.વી. હાઇસ્કૂલને પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત - ગાંધીનગર દ્વારા ડીએલએસએસની માન્યતા વર્ષ-૨૦૧૭માં આપવામાં આવી છે. હાલ માધાપર ડીએલએસએસ શાળામાં ૩ ગેમ આર્ચરી, હોકી અને વોલીબોલ ફાળવાઇ છે. જેમાં ૭૫ ખેલાડીઓ હાલ હોસ્ટેલમાં રહીને રમતની તાલીમ સાથે હાઇસ્કૂલનો અભ્યાસ પણ કરી રહ્યા છે.

ડીએલએસએસના મેનેજર શ્રી ભરતભાઇ ગોરસીયા સમગ્ર યોજના તેમજ સરકાર દ્વારા અપાતી સુવિધા, તાલીમ અંગે વાત કરતા જણાવે છે કે, આ યોજના અંતર્ગત રાજયમાં નામાંકિત શાળાઓ જેમાં રમતગમતને લગતી માળખાકીય સુવિધાઓ ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ અને હોસ્ટેલ સુવિધાઓ ધરાવતી હોય તેવી શાળાઓની આ યોજના હેઠળ પસંદગી કરવામાં આવે છે.

રાજયમરમાં ચાલતી આ પ્રકારની શાળામાં રાજયનું ગમે તે બાળક એડમિશન લઇ શકે છે. હાલ કચ્છની માધાપરની એમએસવી હાઇસ્કૂલમાં રાજયના દરેક ખુણાના બાળકો અભ્યાસ સાથે પોતાના રસની રમતમાં તાલીમ મેળવી રહ્યા છે. જેમાં સરકારે ત્રણ કોચની ફાળવણી કરી છે જેમાં હોકી માટે શ્રી દિનેશ ચૌધરી, આર્ચરી માટે શ્રી વિનયકુમાર મિશ્રા, તથા વોલીબોલ માટે શ્રી રવિના પરમારનો સમાવેશ થાય છે, જયારે રમતવીરો માટે ફિજીયોથેરાપીસ્ટ તરીકે શ્રી અચલ મકવાણાની નિમણૂક કરાઇ છે. હોકી માટે માતબર ગ્રાંટની ફાળવણી કરીને ઘાસ આચ્છાદિત મેદાન તૈયાર કરાયું છે, જયારે અન્ય રમતો માટે મોંઘેરા સાધનો સરકાર ફાળવીને બાળકોના વિકાસમાં પુરતું ધ્યાન આપી રહી છે.

વધુમાં તેઓ ઉમેરે છે કે, ખેલમહાકુંભમાંથી બહાર આવેલા પ્રતિભશાળી ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલમાં યંગ ટેલેન્ટ (પ્રતિભાશાળી) અને પૂવન ટેલેન્ટ (જે તે રમતમા સિદ્ધિ પ્રાપ્ત કરેલ) ખેલાડીઓ તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવે છે, આ માટે ખેલાડીઓને ફિઝિકલ ટેસ્ટ(બેટરી ટેસ્ટ) દ્વારા એડમિશન આપવામાં આવે છે, જેમાં ખેલાડીઓએ પહેલા જિલ્લાનો અને ત્યારબાદ રાજયનો બેટરી ટેસ્ટ આપવાનો હોય છે. ત્યારબાદ તેના મેરીટના આધારે તેમણે જુદીજુદી સ્કૂલમાં એડમિશન આપવામાં આવે છે.

યંગ ટેલેન્ટ (વાયરી) અને પૂવન ટેલેન્ટ(પી.ટી.) ખેલાડીઓને ડી.એલ.એસ.એસ. યોજના હેઠળ પ્રવેશ આપી વિનામૂલ્યે શિક્ષણ, પુસ્તકો અને નબળ લગતી સ્ટેશનરી, નિવાસ, ભોજન, શાળાનો ગણવેશ તેમજ રમતને અનુરૂપ અત્યાધુનિક સાધનો અને સ્પોર્ટસ કિટ વિગેરે લાભો આપવામાં આવે છે.

પસંદગી પામેલ ખેલાડીઓને નિષ્ણાત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે સવાર-સાંજ ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે. તેમજ શાળામાં ભણતા બાળકોને ઇનસ્કૂલ પ્રોગ્રામ હેઠળ પાંચ પી.ટી.ના પિરીયડ દરમિયાન રમતગમતની તાલીમ પુરી પાડવામાં આવે છે. 

સવારે ૧.૫ કલાક અને સાંજે ૩ કલાક કોચ તથા ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવે છે અને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ખેલાડીઓને તૈયાર કરવામાં આવે છે. સરકારની કચ્છની સ્પોર્ટસ સ્કૂલમાં આર્ચરી, હોકી અને વોલીબોલ રમત ફાળવી છે. જેથી આ રમતમાં રૂચિ ધરાવતા બાળકો અહીં તૈયાર થાય છે. ખેલાડીઓને સરકાર દ્વારા નકકી કરેલું ભોજન, એકસ્ટ્રા ડાયટ સાથે આપવામાં આવે છે. સાથે સાથે તેમનો બુકસ, યુનિફોર્મ, શૂઝ, અને સ્કુલ ફી તથા મેડિકલનો તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવે છે.  મહિનાનું રૂ. ૭૫૦ સ્ટાઇપેન્ડ ખેલાડીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.

સંસ્થા અને સરકારના સહિયારા પ્રયાસોથી ખેલાડીઓ રમતક્ષેત્રમાં આગળ વધી શકે તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવે છે. 

એમ.એસ.વી હાઇસ્કૂલના પ્રિન્સપાલ શ્રી મહેશકુમાર ઝાલા જણાવે છે કે, ૨૦૧૭થી  હાઇસ્કૂલને ડીએલએસએસની માન્યતા મળ્યા બાદ એડમિશન લેનારા બાળકોની તાલીમ શરૂ કરાયેલી ત્યારથી અત્યારસુધી આર્ચરીમાં ૧૫ ખેલાડીઓ નેશનલ લેવલ સુધી પહોંચ્યા છે તથા ૭ ખેલાડીઓ આર્ચરીની એકેડમી નડીયાદમાં ઉચ્ચ તાલીમ માટે સિલેકટ થયા છે.

હોકી ગેમમાં ૬ ખેલાડીઓ હોકી એકેડમી દેવગઢ બારીયા ખાતે સિલેકટ થયા છે તથા સ્કૂલ ગેમ ફેડરેશનમાં સમગ્ર ગુજરાતમાં રનર્સઅપ સુધી પહોંચ્યા છે. જયારે વોલીબોલમાં ખેલાડીઓ જિલ્લાકક્ષાએ વિજેતા થયા છે. તેમજ મહત્વની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. 

ઉલ્લેખનીય છે કે, સરકારે સ્પોર્ટસ સ્કૂલોમાં ઓલિમ્પિક રમતો આર્ચરી ઍથ્લેટીકસ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, બોકસીંગ, ફૂટબોલ, જીમ્નાસ્ટીક, હેન્ડબોલ, હોકી, જુડો, લીન ટેનિસ, શૂટીંગ સ્વીમિંગ ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, વોલીબોલ, કુસ્તીનો સમાવેશ કર્યો છે. સાથે જ નોન ઓલિમ્પિક રમત ચેસ, કબડ્ડી, ખોખો વગેરેનો પણ સમાવેશ કર્યો છે. અલગ અલગ જિલ્લામાં જુદીજુદી રમતો ફાળવાઇ છે, અને તે મુજબ કોચની ફાળવણી કરાઇ છે.

(10:03 am IST)