Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ઉનાળુ વાવેતરનો પ્રારંભ : સૌરાષ્‍ટ્રમાં મગફળી - તલ મુખ્‍ય

સમગ્ર રાજ્‍યમાં ૨,૧૦,૪૮૧ હેકટરમાં વાવેતર : જૂન અંત સુધીમાં ખેત ઉત્‍પાદન બજારમાં આવશે : ભાવનગરમાં ૧૮૪૦૦ અને અમરેલી જિલ્લામાં ૧૨૧૦૦ હેકટરમાં વાવેતરઃ રાજકોટ જિલ્લામાં માત્ર ૧૮૦૦ હેકટરમાં

રાજકોટ તા. ૩ : ગુજરાતમાં ખરીફ અને રવી પાક સારો થયા બાદ હવે ખેડૂતોએ ઉનાળાના ટુંકાગાળાના પાક તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. જ્‍યાં તળમાં પાણી છે અથવા નજીકમાં સિંચાઇની સુવિધા ધરાવતા ડેમ છે તેવા વિસ્‍તારના ખેડૂતોએ ઉનાળુ વાવેતરનો પ્રારંભ કર્યો છે. સત્તાવાર આંકડા મુજબ ગઇ તા. ૨૭ ફેબ્રુઆરી સુધીમાં રાજ્‍યમાં કુલ વાવેતર વિસ્‍તારમાંથી ૨૦% જેટલું વાવેતર થઇ ગયું છે. જે ગયા વર્ષની સરખામણીએ ઘણુ વધુ છે. હજુ ઉનાળુ વાવેતર ચાલુ છે.

સૌરાષ્‍ટ્રમાં ચોમાસામાં મુખ્‍યત્‍વે મગફળી અને કપાસ તેમજ શિયાળામાં ઘઉં અને ચણા વાવવામાં આવે છે. ઉનાળામાં મગફળી, તલ અને મગ મુખ્‍ય પાક છે. પાણીની સુવિધા ધરાવતા ખેડૂતોએ આ વાવણી શરૂ કરી દીધી છે. સૌરાષ્‍ટ્રમાં અત્‍યાર સુધીમાં મોસમનું સૌથી વધુ ઉનાળુ વાવેતર ૧૮૪૦૦ એકટરમાં ભાવનગર જિલ્લામાં થયું છે. અમરેલી જિલ્લામાં ૧૨૧૦૦ હેકટરમાં વાવેતર થઇ ગયું છે. રાજકોટ જિલ્લામાં ઉનાળુ વાવેતર માત્ર ૧૮૦૦ હેકટરમાં છે. આવતા દિવસોમાં ઉનાળુ વાવેતરના આંકડા વધવાની સંભાવના છે.

રાજ્‍યમાં જુદાજુદા વિસ્‍તારની જમીનની ફળદ્રુપતા, પાણીની સુવિધા વગેરે બાબતો ધ્‍યાને રાખી જુદા-જુદા પાક ઉગાડવામાં આવે છે. શાકભાજી લગભગ બધા જ વિસ્‍તારમાં થાય છે. સૌરાષ્‍ટ્ર સિવાયના વિસ્‍તારોમાં ડાંગર, મકાઇ, બાજરી, અળદ, ડુંગળી, શેરડી વગેરે પાકો મુખ્‍ય છે. હાલ જેનું વાવેતર થઇ રહ્યું છે તે બધા પાકો જુન અંત સુધીમાં બજારમાં આવવા લાગશે.

(11:20 am IST)