Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મુળી પંથકમાં પાંચ ચરખી કાર્બોસેલ કબ્‍જે કરાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩: મૂળી તાલુકાનાં ગઢડા અને ખંપાળીયા આસપાસનાં ગામોમાં કાર્બોસેલ અને ફાયરક્‍લે વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ખાણ ખનીજ વિભાગે ગઢડા પાસે દરોડો કરી પાંચચરખી કાર્બોસેલ સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ છે.

મૂળી પંથકનાં પેટાળમાં ખુબજ માત્રામાં ખનીજ ધરબાયેલુ છે. જેમાં કાર્બોસેલ, ફાયરક્‍લે, રેતી, માટી, સહિતનો સમાવેશ થાય છે. આ ખનીજ મેળવવા ખાણખનીજ વિભાગ પાસે મંજુરી લેવાની હોય છે.જેમાં અમુક હીસ્‍સો સરકારી દફતરે જમાં કરાવવો પડે છે.પરંતુ મૂળી તાલુકામાં જાણે રામ રાજને પ્રજા સુખી હોય તેમ લાગી રહયું છે. કારણકે મૂળી તાલુકાનાં ગઢડા અને ખંપાળીયા ગામ આસપાસમાં વિપુલ પ્રમાણમાં કાર્બો અને ફાયરક્‍લે મળી આવે છે. આ ગામોમાં બેફામ રીતે કોઇપણ જાતની પરવાનગી વગર ખનીજનું ખોદકામ અને વહન થઇ રહયું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

જયારે આ ખોદકામ મુખ્‍યત્‍વે ગૌચર અને માલીકીની જમીનમાં જ કરાતુ હોવાથી પશુપાલકો પર તેની ભારે અસર પડી રહી છે. આ બાબતે ખાણખનીજનાં એન એમ કણઝરીયા સહિતનાંએ વહેલી સવારે ગઢડા આસપાસ તપાસ આરંભી હતી. જેમાં રાહુલભાઇ જેમાભાઇ,વેલાળાનાં સગ્રામભાઇ લાભુભાઇ ખાંભલા,વડધ્રાનાં જયસુખભાઈ, કળમાદનાં ખીમજીભાઇ લાલાભાઇ રોજીયા, દાધોળીયાનાં ભરતભાઇ જાંબુડીયાને અલગ અલગ જગ્‍યાએથી પાંચ ચરખી કાર્બોસેલસાથે ખનીજ ચોરી કરતા ઝડપી કાર્યવાહી હાથ ધરાતા ભુમાફિયાઓમાં ભાગદોડ સાથે ખનીજ વહનમાં બ્રેક લાગી જવા પામી છે.

(11:41 am IST)