Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કાલે જસદણમાં પાટીદાર શૈક્ષણીક ભવનમાં લાપસી પ્રસાદ મહોત્‍સવ

નરેશભાઇ પટેલ, બાબુભાઇ પટેલ સહીતના ઉપસ્‍થિત રહેશેઃ દિનેશભાઇ બાંભણીયાની આગેવાનીમાં તૈયારીનો આખરી ઓપ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૩: જસદણના આટકોટ રોડ ઉપર આવેલા પાટીદાર શૈક્ષણીક ભવન ખાતે કાલે બપોરે ત્રણ વાગ્‍યાથી લાપસી પ્રસાદ મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવમાં ખોડલધામના નરેશભાઇ પટેલ, ઉમીયામાતા સંસ્‍થાન ઉંઝાના પ્રમુખ બાબુભાઇ પટેલ સહીત પાટીદાર સમાજના મોટા ગજાના રાજકીય સામાજીક આગેવાનો હાજર રહેવાના હોય જસદણ પંથકના પાટીદાર સમાજમાં ભારે ઉત્‍સાહ  જોવા મળે છે. આ અંગેની તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

આ અંગે માહીતી આપતા સમાજના સ્‍વપ્‍ન દ્રષ્‍ટા અને સંસ્‍થાના પાયાના પથ્‍થર દિનેશ બાંભણીયાએ જણાવ્‍યું હતું કે જસદણ પંથકમાં લાપસી પ્રસાદનું પ્રથમ વખત આયોજન થતું હોય પાટીદાર સમાજમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહયો છે.

લાપસી પ્રસાદનો પ્રારંભ બપોર ત્રણ વાગ્‍યે થશે. જેમાં ચિતલીયા રોડ ઉપર આવેલ હિરપરા સમાજની વાડીએથી આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણીક ભવન સુધી ભવ્‍ય શોભાયાત્રા યોજાશે. જેમાં વિવિધ કલાકૃતિ અને   જુદા જુદા શણગારેલા ફલોટ સાથે વાહનો જોડાશે ત્‍યાર બાદ સાંજે પાંચ વાગ્‍યે પ્રાસંગીક પ્રવચનો, સંતોના આશીર્વાદ સાથે સભા યોજાશે. બાદમાં સાંજે સાત વાગ્‍યાથી લાપસીનો મહાપ્રસાદ હજારો પાટીદારો લેશે.

રાત્રે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં કિરણ ગજેરા, હિતેશ અંટાળા, લાલુ માળવીયા, યોગીતા પટેલ, સાગર પટેલ, મિલન તળાવીયા સહીતના કલાકારો ભાગ લેશે.

આ કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઇ પટેલ, ઉમીયા માતા સંસ્‍થા ઉંઝાના પ્રમુખ બાબુભાઇ પટેલ, પરબ ધામના મહંત કરશનદાસબાપુ, સ્‍વામીનારાયણ ગુરૂકુળ રાજકોટના શ્રૃતીપ્રકાશદાસજી, પુષ્‍ટીમાર્ગીય વૈષ્‍ણવાચાર્ય મધુસુદનલાલજી, રામકુંડ આશ્રમ અંકલેશ્વરના મહંત ગંગાદાસબાપુ, સ્‍વામીનારાયણ મંદિર ગઢડાના એસ.પી.સ્‍વામી સહીતના સંતો હાજર રહેશે.

અતિથી વિશેષ તરીકે પાસના હાર્દિક પટેલ, લાલજીભાઇ પટેલ, અલ્‍પેશ કથીરીયા સહીત પાટીદાર સમાજના અનેક દાતાશ્રીઓ તેમજ આગેવાનો હાજર રહેશે.

આ ભવ્‍ય લાપસી પ્રસાદ કાર્યક્રમનો લાભ લેવા સંસ્‍થાના પાયાના પથ્‍થર દિનેશ બાંભણીયા, સંસ્‍થાના પ્રમુખ ભીખાભાઇ બાંભણીયા, ટ્રસ્‍ટીઓ ભરત છાયાણી, વલ્‍લ્‍ભભાઇ બોદર, ભુપતભાઇ ભાયાણી, વિઠ્ઠલભાઇ સિધ્‍ધપરા, કલ્‍પેશભાઇ મોવલીયા, છગનભાઇ કાકડીયા, દિપકભાઇ રામાણી, રમેશભાઇ હિરપરા, ભરતભાઇ બોધરા અને દેવરાજભાઇ છાયાણીએ યાદીમાં જણાવ્‍યું છે.

લાપસી પ્રસાદના કાર્યક્રમ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, આયુષ કચેરી ગાંધીનગર, જીલ્લા પંચાયત રાજકોટ અને સરકારી આયુર્વેદીક હોસ્‍પીટલનાં સંયુકત ઉપક્રમે સવારે ૯ વાગ્‍યાથી સાંજે પ વાગ્‍યા સુધી આયુષ મેળાનું પણ આયોજન રાખવામાં આવ્‍યું છે.  ઉલ્લેખનીય છે કે કાલના લાપસી પ્રસાદ મહોત્‍સવના ભાગરૂપે પાટીદાર સમાજના લોકો વધુમાં વધુ લાભ લે એ માટે ભવન દ્વારા છેલ્લા ઘણા દિવસોથી જસદણ-વિંછીયા તાલુકાના ગામે ગામ રથ ફેરવવામાં આવ્‍યો હતો. કાલના આ ભવ્‍ય કાર્યક્રમમાં જસદણ-વિંછીયા પંથકના હજારો પાટીદારો ઉપસ્‍થિત રહેવાનો હોય સ્‍થાનીક તંત્ર દ્વારા કોઇ અડચણ ન ઉભી થાય તે માટે પોલીસ દ્વારા યોગ્‍ય વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે

(11:46 am IST)