Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

અદાણી પોર્ટફોલીઓની કંપનીઓએ GQG ભાગીદારો સાથેના રૂા. ૧૫૪૪૬ કરોડના સેકન્‍ડરી ઇકવીટી વહેવારો પૂર્ણ કર્યા

અદાણી કંપ્નીઓના એક પોર્ટફોલિયોમાં અમેરીકાની અગ્રણી યુએસ ગ્‍લોબલ ઇક્‍વિટી બુટિક, GQG Partners એ રૂા. ૧૫,૪૪૬ કરોડનું રોકાણ પૂર્ણ કર્યું : અદાણી પોર્ટસ અને સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન લિ., અદાણી ગ્રીન એનર્જી લિ., અદાણી ટ્રાન્‍સમિશન લિ. અને અદાણી એન્‍ટરપ્રાઇઝ લિ.માં કર્યું રોકાણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : અમેરીકા સ્‍થિત અગ્રણી ગ્‍લોબલ ઇક્‍વિટી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ બુટિક GQG પાર્ટનર્સએ  અદાણી પોર્ટફોલિયોની બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જ અને નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ ઉપર લિસ્‍ટેડ કંપનીઓ અદાણી પોર્ટ્‍સ અને સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.,અદાણી ગ્રીન એનર્જી લિ.,અદાણી ટ્રાન્‍સમિશન લિ. અને અદાણી એન્‍ટરપ્રાઇઝ લિ.માં સેકન્‍ડરી બ્‍લોક ટ્રેડ ટ્રાન્‍ઝેક્‍શનની શ્રેણીમાં રૂ.૧૫,૪૪૬ કરોડ (યુએસ ડોલર ૧.૮૭ બિલિયન) પૂર્ણ કરવાની આજે જાહેરાત કરી હતી.

નિર્ણાયક ભારતીય ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના વિકાસ અને વૃદ્ધિમાં આ રોકાણે GQG ને મુખ્‍ય રોકાણકાર બનાવ્‍યું છે. જેફરીઝ ઈન્‍ડિયા પ્રાઈવેટ લિ.એ આ સોદા માટે એકમાત્ર બ્રોકર તરીકે ભાગ ભજવ્‍યો હતો.

GQG પાર્ટનર્સના ચેરમેન અને CIO રાજીવ જૈને જણાવ્‍યું હતું કે, ‘અદાણી કંપનીઓમાં સામેલ થવાની આ શરૂઆતથી હું ઉત્‍સાહિત છું. અદાણી સમૂહની કંપનીઓ સમગ્ર ભારત અને વિશ્વમાં કેટલીક સૌથી મોટી અને સૌથી મહત્‍વપૂર્ણ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર મિલકતનો માલિકી ધરાવવા સાથે તેનું સંચાલન કરે છે. ગૌતમ અદાણીની ગણના વ્‍યાપકપણે તેમની પેઢીના શ્રેષ્ઠ ઉદ્યોગસાહસિકોમાં થાય છે. આ કંપનીઓની લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ નોંધપાત્ર છે એમ અમે માનીએ છીએ  અને અમને એવી કંપનીઓમાં રોકાણ કરવામાં ખુશી થાય છે જે ભારતના અર્થતંત્ર અને ઉર્જા માળખાને આગળ વધારવામાં મદદ કરશે કે જેમાં લાંબા ગાળે તેમના ઉર્જા સંક્રમણનો સમાવેશ થાય છે. એમ તેમણે વધુમાં કહયું હતું.'

અદાણી ગ્રૂપના ચીફ ફાયનાન્‍સિયલ ઓફિસર  જુગશિન્‍દર (રોબી) સિંઘે જણાવ્‍યું હતું કે, ‘GQG સાથે આ સીમાચિહ્નરૂપ વ્‍યવહાર પૂર્ણ કર્યાનો અમોને અનહદ આનંદ છે. લાંબા ગાળાના ઊર્જા, લોજિસ્‍ટિક્‍સ અને એનર્જી ટ્રાન્‍ઝિશનના અમારા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને યુટિલિટી પોર્ટફોલિયોમાં એક વ્‍યૂહાત્‍મક રોકાણકાર તરીકે GQGની ભૂમિકાને અમે મહત્ત્વ આપીએ છીએ. અદાણી પોર્ટફોલિયો કંપનીઓના ગવર્નન્‍સ, મેનેજમેન્‍ટ પ્રેક્‍ટિસ અને  વિકાસમાં આ વ્‍યવહાર વૈશ્વિક રોકાણકારોના અમારા પ્રત્‍યેનો સતત વિશ્વાસ દર્શાવે છે.'

ભારતની કુલ વીજળી ઉત્‍પન્ન કરવાની ક્ષમતા 390 GW કરતાં વધુ છે, અને રિન્‍યુએબલ 100 GW કરતાં વધુ છે. ગયા વર્ષે યુનાઇટેડ નેશન્‍સ ક્‍લાઇમેટ ચેન્‍જ કોન્‍ફરન્‍સમાં ભારત સરકારે કરેલી જાહેરાત મુજબ ૨૦૩૦ સુધીમાં ભારતની નોન ફોસિલ ફયુઅલ ક્ષમતા 500 GW હશે.૨૦૩૦ સુધીમાં દેશને 45 GW (ભારતની રિન્‍યુએબલ એનર્જીનો ૯%) સપ્‍લાય કરવાની અદાણી સમૂહ યોજના ધરાવે છે.

અદાણી ટ્રાન્‍સમિશન લિ.ની વિતરણ ૫ાંખ અદાણી ઇલેક્‍ટ્રિસિટી મુંબઇ લિ.(૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો માટે પ્રતિબદ્ધ છે) એ નાણાકીય વર્ષ-૨૧ માં રિન્‍યુએબલ એનર્જીના પ્રવેશને ૩%થી નાણાકીય વર્ષ-૨૭ સુધીમાં ૬૦% સુધી વધારવા માટે કાયદેસર રીતે કરાર કર્યા છે. ૨૦૨૫ સુધીમાં કાર્બન ન્‍યુટ્રલ બનવા અને લાંબાગાળાની  પરિવહન ઉપયોગિતાના વિકાસમાં અગ્રેસર બનવા માટે APSEZ સંકલ્‍પબધ્‍ધ છે.  આગામી ૯ વર્ષોમાં AEL તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ન્‍યૂ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ મારફત ઔદ્યોગિક ઉર્જા અને ગતિશીલતાના ડીકાર્બોનાઇઝેશન પર ધ્‍યાન કેન્‍દ્રિત કરતું નવું ગ્રીન હાઇડ્રોજન વર્ટિકલ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

(11:51 am IST)