Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મોરબી : શેરીમાં રહેતા બાળકો અને તેના પરિવારોને બેંક, આરોગ્‍ય તપાસ અને રેશનકાર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૩ :  સરકારના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા અભિગમ અંતર્ગત CISS (Child In Street Situation- શેરીમાં રહેતા બાળકો) માટે ૨૦૨૧માં એક સર્વે કરવામાં આવ્‍યો હતો. આ સર્વે અંતર્ગત બાળ સ્‍વરાજ પોર્ટલ પર મોરબી જિલ્લાના ૦ થી ૧૮ વર્ષના ૩૧ બાળકો નોંધાયેલા છે, જે તમામ મોરબી શહેરી વિસ્‍તારમાં જ આવેલા છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગતની ચાઈલ્‍ડ વેલેફેર કમિટી દ્વારા આવા બાળકોના ઉત્‍થાન માટે વિવિધ પ્રવળત્તિઓ કરવામાં આવે છે. જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગના સંકલનમાં રહીને તમામ બાળકોના બેંક ખાતા ખોલાવી આપવામાં આવ્‍યા છે, તમામ પરિવારોની આરોગ્‍ય તપાસ કરવામાં આવી છે તથા તમામ પરિવારોના રેશનકાર્ડ પણ બનાવી આપવામાં આવ્‍યા છે.

 આ બાળકો અને તેમના પરિવારોને આવાસ, પાણી, આરોગ્‍ય વગેરે સવલતો મળી રહે તે માટે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્‍ટર જી. ટી. પંડ્‍યાના માર્ગદર્શન હેઠળ આ બાળકો અને તેમના પરિવારોને સરકારની આધાર, રેશનકાર્ડ, શ્રમકાર્ડ, આયુષ્‍યમાન કાર્ડ, શિક્ષણ, વિવિધ સ્‍કોલરશીપ સહિતની ગાઈડ લાઈન મૂજબની યોજનાઓ હેઠળ ત્‍વરિત ધોરણે આવરી લેવા આયોજન કરવામાં આવ્‍યું છે.

 CISS ( Child In Street Situation- શેરીમાં રહેતા બાળકો) ના સર્વે હેઠળ નોંધાયેલા બાળકો અને તેમના પરિવારોના ઉત્‍થાન માટે જિલ્લામાં થયેલી કામગીરીની સમીક્ષા અને આગામી આયોજન માટે મોરબી જિલ્લા કલેક્‍ટર જી. ટી. પંડ્‍યાના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

 આ બેઠકમાં કલેક્‍ટર જી. ટી. પંડ્‍યાએ મોરબી જિલ્લામાં બાળ સ્‍વરાજ પોર્ટલ પર નોંધાયેલા બાળકો અને તેમના પરિવારોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સાંકળી લેવા માટે તમામ વિભાગોને સર્વે કરી યોગ્‍ય કામગીરી કરવા જણાવ્‍યું હતું. વધુમાં તેમેણે જણાવ્‍યું હતું કે, આ અભિગમનો શેરીઓમાં રહેતા બાળકો અને તેમના પરિવારોને  સરકારની વિવિધ જન કલ્‍યાણની યોજનાઓનો લાભ મળી તેવો ઉમદા હેતુ છે. ઉપરાંત આ બાળકો માંથી જેમણે શાળાએ જવાનું છોડી દીધુ હોય તેવા બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા પણ તેમણે જણાવ્‍યું હતું.

 આ બેઠકમાં જિલ્લા કલેક્‍ટર જી. ટી. પંડ્‍યા સાથે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશિયા, જિલ્લા રોજગાર અધિકારી મનિષાબેન સાવલીયા, જિલ્લા મહિલા અને બાળ વિભાગ પ્રોટેક્‍શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ સહિત લીડ બેંક, સમાજ કલ્‍યાણ, સમાજ સુરક્ષા, પોલીસ, નગરપાલિકા સહિત વિભાગોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

 

 

(1:05 pm IST)