Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

૬૫ લાખનું ૧.૯૬ કરોડ વ્‍યાજ ચુકવ્‍યુ છતાં પઠાણી ઉઘરાણી : જસદણના વ્‍યાજખોર સામે ફરીયાદ

ખેતીની જમીનનો પણ દસ્‍તાવેજ કરાવી લીધો : બિલ્‍ડીંગ મટીરીયલ્‍સના વેપારી મયુર ધાનાણીની ફરીયાદ પરથી વ્‍યાજખોર જયવંત ધાંધલ સામે ગુન્‍હો નોંધાયો : વ્‍યાજખોરે ભોગ બનનાર સાથે રૂપીયા ઉછીના આપતા હોવાનો મોબાઇલમાં વિડીયો ઉતારી લીધો જેથી પોલીસમાં ફરીયાદ ન થાય

રાજકોટ, તા., ૩: જસદણના બિલ્‍ડીંગ મટીરીયલ્‍સના વેપારીએ વ્‍યાજે લીધેલ ૬પ લાખ સામે તોતીંગ ૧.૯૬ કરોડ રકમ ચુકવેલ હોવા છતાં વ્‍યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધમકી અપાતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણમાં આદમજી રોડ ઉપર બજરંગનગરમાં રહેતા અને બિલ્‍ડીંગ મટીરીયલ્‍સનો વેપાર કરતા મયુરભાઇ મગનભાઇ ધાનાણીએ જયવંત જીલુભાઇ ધાંધલ (રહે. લાતી પ્‍લોટ-જસદણ) સામે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીને ધંધામાં રૂપીયાની જરૂર પડતા ર૦૧ર માં આરોપી જયવંત પાસેથી ૧૦ લાખ ૩ ટકા વ્‍યાજે લીધા હતા અને ર૦ર૦ સુધીમાં કુલ ૩૭ લાખ મુળ રકમ તથા પેનલ્‍ટી અને વ્‍યાજ મળી કુલ ૧.૭પ કરોડ જેટલા ચુકવી આપેલ અને ફરીયાદીના પિતાજી તથા કાકાએ તેની ખેતીની જમીનનો દસ્‍તાવેજ કરી આપી હિસાબ પુરો કરી આપ્‍યો હતો.

ત્‍યાર બાદ ર૦ર૧માં ફરીયાદીને વધારે રૂપીયાની જરૂર પડતા આરોપી પાસેથી ર૦ લાખ ૩ ટકા વ્‍યાજે, પ લાખ પ ટકા વ્‍યાજે અને બાદમાં ૩ લાખ ૮ ટકા લેખે લીધા હતા. આ રીતે કુલ ર૮ લાખનું દર મહિને ૧.૧૦ લાખ લેખે ૧પ મહિના સુધી ૧૬.૫૦ લાખનું વ્‍યાજ સહીતની રકમ વ્‍યાજખોરને આપી હતી. આ રીતે વ્‍યાજખોર જયવંત ધાંધલ પાસે નાણા ધીરધારનું લાયસન્‍સ ન હોવા છતા અમો ફરીયાદી પાસેથી વ્‍યાજખોરએ ર૦૧ર થી ર૦ર૧ સુધીમાં ૬પ લાખનું કુલ ૧,૯૬,પ૦,૦૦૦ ની વ્‍યાજની વસુલાત કરી હતી. મૂળ રકમ ૩૭ લાખ પરત ચુકવી દેવા અમો ફરીયાદી તથા ફરીયાદીના પરિવારને ધમકી આપે છે. તેમજ અગાઉ વ્‍યાજે રૂપીયા લીધેલ ત્‍યારે વ્‍યાજખોરે ફરીયાદી સાથે મોબાઇલમાં વિડીયો ઉતારેલ અને તેમાં ફરીયાદી પાસે બોલાવેલ કે તેણે હાથ ઉછીના રૂપીયા લીધા છે. જેથી અમો ફરીયાદી વ્‍યાજખોર સામે ફરીયાદ ન કરી શકીએ.

આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે વ્‍યાજખોર જયવંત ધાંધલ સામે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીઆઇ ટી.બી.જાની ચલાવી રહયા છે.

(1:27 pm IST)