Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સાવરકુંડલાથી ગાંધીનગરની સીધી એસ.ટી.બસ શરૂ કરવા માંગ

(દીપક પાંધી દ્વારા)સાવરકુંડલા તા. ૩ :અમરેલી જિલ્લામાથી ગાંધીનગર ખાતે સરકારી કામકાજ માટે જવાનું હોય તો રાત્રે બસમાં મુસાફરી કરીને જાવ તો જ તમે સવારે ૧૧-૦૦ વાગ્‍યે ઓફિસમાં જઈને કામકાજ કરી શકો.

ગાંધીનગરની બસ અમદાવાદ ગીતામંદિર બસ સ્‍ટેશનમાં ગયા પછી ગાંધીનગર આવે એના લીધે ૨-૩ કલાકનો  સમય વધુ લે છે. સાવરકુંડલા અમરેલીથી અમદાવાદ-કળષ્‍ણનગરની મોટાભાગની બસ ચાલે છે. પરંતુ સાવરકુંડલાથી સીધી ગાંધીનગરની વહેલી સવારની એકપણ બસ નથી. આ માટે સવારે ૫-૦૦ કલાકે સાવરકુંડલાથી - ઓળિયા- ગોખરવાળા - અમરેલી - લાઠી - ચાવંડ - ઢસા - ધોળા - ઉમરાળા - વલ્‍ભીપુર - બરવાળા - ધંધુકા - બગોદરા - સરખેજ - ઈસ્‍કોન - વૈષ્‍ણોદેવી સર્કલ - અડાલજ ચોકડી - ગાંધીનગર આ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવે તો સાવરકુંડલા, અમરેલી, લાઠી, ચાવંડ, ઢસા વગેરે વિસ્‍તારના ઘણા પેસેન્‍જર મળી રહેશે. ગાંધીનગર ખાતે સરકારી કામકાજ પતાવીને સાંજે ૬-૭ કલાકે ગાંધીનગરથી આજ રૂટમા રાતે ૧૨-૧ વાગ્‍યે પરત ઘરે આવી શકે. જેનાથી એક જ દિવસમાં લોકો પોતાનું કામકાજ પતાવી શકશે. ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરવાની જરૂર નહીં પડે.

સાવરકુંડલા, અમરેલીથી ગાંધીનગર ખાતે સરકારી કચેરીઓમાંથી ઘણા સરકારી કર્મચારીઓને અવારનવાર ગાંધીનગર જવાનું થતું જ હોય છે. એમને પણ આ સીધી ગાંધીનગરની બસ ઉપલબ્‍ધ થાય તો એમનો પણ ઘણો ટ્રાફિક મળી રહેશે અને લોકોની સુવિધામા પણ વધારો થશે.

ધારી-અમરેલી-વિસનગર રૂટની બસ બપોરે મળે છે પણ એ વાયા અમદાવાદ ગીતામંદિરથી ચાલતી હોય ગાંધીનગર ખાતે સરકારી કામકાજ માટે આ બસ કામમાં આવતી નથી. લોકોને ફરજિયાત પણે રાતે રોકાવું પડે છે અને ૨-૪ કલાકના કામકાજ માટે ર દિવસની મુસાફરી કરવી પડે છે. અમરેલી ડેપોની  અમદાવાદ-કળષ્‍ણનગરની લગભગ તમામ બસો ગઢડા, બોટાદ, સાળંગપુર થઈને અમદાવાદ ગીતામંદિર જતી હોય છે. જેના લીધે આ બસમાં અમદાવાદ-ગાંધીનગર આવવા માટે ઘણો સમય લાગી જાય છે અને ગાંધીનગરની સીધી બસ પણ નથી.

સાવરકુંડલા અને અમરેલી જિલ્લાના અને આ બસના રૂટના લોકોને પાટનગર ગાંધીનગરની સીધી બસની સુવિધા ઉપલબ્‍ધ થશે તો હજારો માનવ કલાકો બચશે અને જિલ્લામાં વહિવટી કામગીરી પણ ઝડપી બનશે.

તો તાત્‍કાલિક સાવરકુંડલા અમરેલી, ગાંધીનગર બસમાં સરખેજ, ઇસ્‍કોન, વૈષ્‍ણોદેવી સર્કલ, અડાલજ, ગાંધીનગરની સીધા સ્‍ટોપની બસ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત સામાજીક કાર્યકર સતીષભાઇ  મહેતા એ ધારાસભ્‍ય કસવાલાને કરી છે.

(1:24 pm IST)