Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પોરબંદર સાંદીપનિ નિકેતન દ્વારા કોરાના દર્દીઓની સારવાર માટે ૧ કરોડની સહાય

સિવિલ હોસ્પિટલને ર૦ હજાર લીટરની ટેન્ક, દર્દીઓના બેડ સુધી પાઇપ લાઇન ફલોમીટર સહિતની પૂ. ભાઇશ્રી દ્વારા સહાય

(સ્મીત પારેખ-વિનુ જોષી દ્વારા) પોરબંદર, જુનાગઢ તા.૩ : સાંદિપની વિદ્યાનિકેતન દ્વારા કોરાના દર્દીઓની સારવાર માટે ૧ કરોડની સહાય આપવાની જાહેરાત પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ કરી છે. પૂ.ભાઇશ્રીએ  કોરાના દર્દીઓ માટે શહેરની સિવિલ હોસ્પિટલને ર૦ હજાર લીટરની ટેન્ક, દર્દીઓના બેડ સહિત પાઇપલાઇન ફલો મીટર સહિત સુવિધા આપવાની જાહેરાત કરાઇ.

વર્તમાન સમયમાં કોરોના મહામારીની બીજી લહેર જયારે પોતાના નવા સ્વરૂપ સાથે વિશ્વના અનેક દેશોને પ્રભાવિત કરી રહી છે. ત્યારે ભારતમાં ગુજરાત સહિત અનેક રાજયોમાં પણ એની વ્યાપક અસર જોવા મળી રહી છે. આ મહામારીના સમયમાં સંત પૂજય ભાઇશ્રી સતત ચિંતિત છે. હાલમાં કોરોના કેસોનો વધારો થઇ રહ્યો છે. ત્યારે પૂજય ભાઇશ્રીએ પોરબંદરના સૌ અધિકારીઓને અને હોસ્પટીલના સત્તાધીશોને સાંદીપનિ દ્વારા જે કઇ મદદની જરૂર હોય તેપૂરી પાડવા જણાવેલ હતું.

આ સંદર્ભે થોડા થોડા દિવસો પહેલા પુજય ભાઇશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેકટર ડી.ડી.ઓ. સીવીલ સર્જન સિનીયર મોસ્ટ ફીજીશ્યન ડો. સુરેશભાઇ ગાંધી, પૂર્વ સી.એમ.ઓ. ડો.ભરતભાઇ ગઢવી વગેરે સાથે પોરબંદર અને મુંબઇ સાથે હરહંમેશ જોડાયેલા સાંદીપનીના સમર્પિત એવા તુષારભાઇ જાની અને સુરતના ડી.એચ.ગોયાણી સાથેવિગતવાર ચર્ચા-વિચારણા કરી સંદિપનિ સંસ્થા દ્વારા લોકો માટે આ કઠિન સમયે કઇ સેવા થઇ શકે એ અંગે આયોજન કરવામાં આવેલ.

એ અનુસંધાને કોવિડ મહામારીમાં ખુબજ અગત્યની એવી સેવાઓ પૂજય ભાઇશ્રીની પ્રેરણાથી અને સાંદીપતી સ્થિત શ્રીહરિ મંદિરના પ્રભુપ્રસાદ સ્વરૂપે આકાર લઇ રહી છે.એ અંગે ખુબજ સત્વરે કામ થાય અને જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ મળે તે માટે પૂજય ભાઇશ્રી દિવસમાં પણ સતત ફોલોઅપ લેતા રહેશે.  આ સેવાઓમાં મુખ્યત્વે ભાવસિંહજી (સિવીલ) હોસ્પીટલ ખાતે એક ર૦.૦૦૦ લિટરની ક્ષમતાવાળી ક્રાયોજનિક ટેન્ક કાયમી ધોરણે ઉપયોગી થાય તે હેતુથી પ્રસ્થાપિત કરવામાં આવશે અને એ ટેન્ક દ્વારા  સમગ્ર હોસ્પિટલમાં ઓકિસજન જરૂરિયતવાળા દર્દીઓના બેડ સુધી તે ઓકિસજન પહોંચે તે માટેની કોપર પાઇપલાઇન વાલ્વ વગેરેનું વ્યવસ્થિત પ્લાનિંગ કરીને તેનું કામ શરૂ કરવામાં આવેલ છે. લગભગ ૪પ થી પ૦ લાખના ખર્ચે આ સેવા થઇ રહી છે.

આ સિવાય પુજય ભાઇશ્રીની પ્રેરણાથી દેશ-વિદેશ સ્થિતિ શ્રીહરિના સેવકો પણ આ પરિસ્િથિતમાં મદદરૂપ થવા માટે તૈયાર છે. તેઓ દ્વારા ૧૦૦૦ હ્યુમીડીયાફાયર વિથ ફલોમીટર (રેગુલેટર) અને ર૦ જેટલા ઓકિસજન કન્સન્ટ્રેટર (જેમાં એકની કિંમત આશરે ૬૦ થી ૭૦ હજાર રૂપિયા છે) મંગાવવામાં આવ્યા છે. જે વહેલી તકે પોરબંદર આવી રહ્યા છે. આ ઓકિસજન કન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલ અને જયાં ઓકસીજનની જરૂર પડશે. ત્યાં પહોંચાડવામાં આવશે.

આ સિવાય ગતવર્ષની જેમ આ વર્ષે પણ જયારે સ્વૈચ્છીક લોકડાઉન કે રાત્રી કર્ફયુના કારણે લોકોના રોજગાર પર એની ઘણી અસર જોવા મળી રહી છે ત્યારે પોરબંદર સ્થિત સાંદીપની વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા પુજય ભાઇશ્રીની પ્રેરણાથી સંસ્થા દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને ર૦ કિ.ગ્રા. રાશનકીટનું વિતરણ કરવામાં આવશે. જેમાંં ઘઉં, ચોખા, મગદાળ, ખાંડ, તેલ, ચણા, ચા પત્તી, ધાણાજીરૂ, ચટણી, હળવદર, રાય, જીરૃં અને નમક સહિતની વસ્તુઓની શ્રીહરિ મંદિરના પ્રસાદ રૂપે કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવશે.

ગત વર્ષે કોરોના મહામારીનના લીધે લોકડાઉનના સમયમાં પણ પુજય ભાઇશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં તબકકાનુસાર જરૂરિયાતમંદ લોકોને ૩૦ થી ૩પ લાખ રકમની રાશનકીટનું શ્રીહરિ મંદિરના પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.

પૂજય ભાઇશ્રીની પ્રેરણાથી સાંદીપની સંસ્થા દ્વારા આ બધી જ અગત્યની સેવાઓ મળીને કુલ ૧ કરોડ જેટલી રકમની સાધન-સામગ્રી આ મહામારીના સમયમાં માનવસેવાના યજ્ઞમાં આહુતિ સ્વરૂપે આપવામાં આવશે. શ્રીહરિમંદિરની કૃપા અને પૂજય ભાઇશ્રીના પ્રયાસોથી પોરબંદર અને આસપાસના લોકો માટે રાહત રૂપ આ સેવાઓ બની રહેશે.

(1:02 pm IST)