Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઉના નવાબંદરની જુથ અથડામણના આરોપીઓની રિમાન્ડ બાદ જેલ હવાલેઃ ભાઈચારાથી રહેવા બન્ને જુથના આગેવાનોની ખાતરી

શાંતિ સમિતિની એએસપીના અધ્યક્ષસ્થાને બેઠક મળી તે તસ્વીર

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૩૦ :. નવાબંદર ગામે દસ દિવસ પહેલા જેટી ઉપર બોટ સરખી મુકવા બાબતે બે સમાજના લોકો વચ્ચે ઝઘડો થયેલ અને ૧૫૦૦થી ૨૦૦૦ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કરેલ તે બનાવ સંબંધે ૮૪ જેટલા આરોપીઓની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરેલ અને રિમાન્ડ મેળવી હતી. રિમાન્ડ પૂર્ણ થતા ૮૪ આરોપીઓને જેલ હવાલે કરેલ છે.

ઉના તાલુકાના નવાબંદર ગામે દસેક દિવસ પહેલા જેટી ઉપર બોટ સરખી મુકવા બાબતે મુકેશ ઉર્ફે નાથાભાઈ સોલંકીની અને નવાબંદરના અલ્તાફ બેલીમની બોટ સરખી મુકવા જતા ભટકાતા બોલાચાલી થયેલ અને બે જુથો વચ્ચે મારામારી થતા પોલીસ શાંત કરવા પહોંચેલ અને પોલીસ ઉપર ૧૫૦૦થી ૨૦૦૦ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કરી હુમલો કરેલ હતો. જેમા ડીવાયએસપી, એસપી તથા સ્થાનિક પીએસઆઈ તથા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયેલ. પોલીસે ટોળા વિખેરવા ટીયર ગેસના સેલ છોડેલ. હવામાં ગોળીબાર કરેલ હતો અને સ્થાનિક પીએસઆઈ કેતનભાઈ વી. પરમાર પોતે ફરીયાદી બની ૪૦થી વધુ નામજોગ અને ૧૫૦૦થી ૨૦૦૦ના ટોળા સામે કલમ ૩૦૭, ૩૩૩, ૩૩૨, ૩૩૭, ૩૩૮, ૧૩૫, રાયોટીંગ ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબ ગુન્હો દાખલ કરી અત્યાર સુધીમાં કુલ ૮૪ આરોપીઓને પકડી ઉના કોર્ટમાં રજુ કરેલ. તેઓની રીમાન્ડ પુરી થતા તમામ ૮૪ આરોપીઓને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયા હતા.

ગીર સોમનાથ જીલ્લાના એએસપી ઓમપ્રકાશ જાટના અધ્યક્ષસ્થાને તથા રાજકીય આગેવાનોની હાજરીમાં નવાબંદરના બન્ને સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી અને બન્ને સમાજના આગેવાનોએ નવાબંદરમાં ભાઈચારાથી રહેવા શાંતિપૂર્વક રહેવા ખાતરી આપેલ હતી. હાલ નવાબંદરમાં સંપૂર્ણ શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત હજુ વિવિધ વિસ્તારોમાં રાખેલ છે.

(12:13 pm IST)