Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબી જિલ્લામાં આવતીકાલે 35 સ્થળે રસીકરણ : 8500 ડોઝ ફાળવાયા

આજે શુક્રવારે 35 સ્થળોએ કુલ 3977 લોકોનું વેકસીનેશન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રસીની અછતથી વેકસીનેશન અડચણ ઉભી થતી હોવાની સમસ્યા વચ્ચે સરકાર દ્વારા ડોઝ વધારી દેવામાં આવ્યો છે. જેમાં આવતીકાલે શનિવારે રસીકરણ માટે સરકાર દ્વારા 8500 ડોઝનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે. આથી આવતીકાલે 35 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજે મોરબી જિલ્લાના 35 સ્થળોએ કુલ 3977 લોકોનું વેકસીનેશન કરાયું હતું.

મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી સાંભળતા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો. વિપુલ કારોલિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી રસીની અછત વચ્ચે હવે સરકાર દ્વારા રસીનો ડોઝ વધારી દેવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા આવતીકાલ શનિવાર માટે 8500 રસીનો ડોઝ ફાળવી દેવામાં આવ્યા છે અને આ રસીનો ડોઝ આજ રાત્રી સુધીમાં આવી જશે અને આવતીકાલે સવારે જિલ્લાના નિર્ધારિત સ્થળોએ આ રસીના ડોઝને વિતરણ કરી દેવામાં આવશે. આવતીકાલે શનિવારે મોરબીના 13, ટંકારાના 4, વાંકાનેરના 9, માળીયાના 3 અને હળવદના 6 મળીને જિલ્લાના કુલ 35 સ્થળોએ વેકસીનેશન હાથ ધરાશે.
  વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ડોઝ વધારી દેવાયો છે. પણ સ્થળ 35 જ રાખ્યા છે. જો કે, કાલ માટે પણ કોવીશિલ્ડનો જથ્થો ફાળવામાં આવ્યો છે. જ્યારે કોવેકસીનનો જથ્થો કાલે શનિવારે આવશે. આ કોવેકસીન રવિવારે ઉપયોગમાં લેવાશે. જ્યારે આજે મોરબી જિલ્લાના 35 સ્થળોએ વેકસીનેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 45 પલ્સમાં 1629 અને 18 પલ્સમાં 2252 તેમજ ખાનગીમાં 96 મળીને જિલ્લાના કુલ 3977 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ફાળવેલો 3500 ડોઝ અને અગાઉનો સંગ્રહિત 140 ડોઝ પણ ઉપયોગમાં લેવાયો હતો.

(10:52 pm IST)