Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ભુજ અને નખત્રાણા વચ્ચેના ગ્રામ્ય પંથકમાં ૫ નીલગાયના ભેદી મોત: અજ્ઞાત બીમારી કે ભૂખમરો? વનવિભાગે શરૂ કરી તપાસ

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કચ્છના નાના રણમાં ઘુડખર ના મળી આવેલા કંકાલ પછી હવે ભુજ અને નખત્રાણા વચ્ચેના ગ્રામ્ય પંથકમાં અલગ અલગ જગ્યાએ પાંચ જેટલી નીલગાય ના મૃતદેહ મળી આવતાં અરેરાટી પ્રસરી છે. ભુજના ઝુરા ગામ અને તેની ઉત્તરે આવેલા રણ વિસ્તાર અને તેને લગતા નખત્રાણાના સીમાડા પાલનપુર, બાંડીના ગ્રામ્ય પંથકમાં માલધારીઓ તેમ જ ખેડૂતોએ પાંચેક નીલગાયના મૃતદેહ જોયા બાદ વનવિભાગને જાણ કરી છે. જેને પગલે વન વિભાગે આ નીલગાય ના મોતના કારણોની તપાસ સાથે આ વિસ્તારમાં અન્ય ક્યાંય પણ મોત થયા છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન અહી નીલગાય માટેના ખોરાક મનાતા એરંડાનો પાક અત્યારે ન હોઈ કદાચ ભૂખમરા ના કારણે મોત નીપજ્યા હોવાનું ખેડૂતોનું અનુમાન છે. તો, માલધારીઓ કોઈ અજ્ઞાત રોગ હોવાનું માની રહ્યા છે. પરંતુ, મોતના સાચા કારણોની તપાસ તો વન વિભાગની તપાસ બાદ જ બહાર આવશે.

(9:23 am IST)