Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબીના ભરતનગર પાસે ઓવરલોડ ગાડી અને ટેકસ ન ભરેલ ગાડી આરટીઓ કચેરી ખાતે લેવાનું કહેતા એઆરટીઓ અધિકારીને ગાળો દીધી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબી કચ્છ નેશનલ હાઈવે પર ભરતનગર ગામ નજીક ઓવરલોડ સમાન ભરીને જતી ટ્રકને એઆરટીઓ અધિકારીએ રોકી તપાસ કરતા ટેકસ બાકી હોય જેથી આરટીઓ કચેરીએ ટ્રક લેવાનું કહેતા એઆરટીઓ અધિકારીને ચાર શખ્સોએ ગાળો આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલ પાટીદાર ટાઉનશીપમાં રહેતા અપૂર્વકુમાર ભગાભાઈ પટેલ (ઉ.૩૫) તે મોરબીમાં સહાયક મોટર વાહન નિરિક્ષક (એઆરટીઓ) તરીકે ફરજ બજાવે છે જેના મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧ ના રાત્રીના રોજ વાહન ચેકિંગમાં હોય દરમિયાન રાત્રીના પોણા અગ્યારેક વાગ્યે માળિયા હાઈવે પર ભરતનગર ગામ નજીક ટ્રક આરજે ૯ જીઈ ૨૬૬૭ માં ઓવરલોક સમાન ભરેલ હોય જેથી તેને રોકી તપાસ હાથ ધરવામાં આવતા ગુજરાત રાજયનો વાહનનો ટેકસ બાકી હોવાથી આરોપી કુશારામ ક્રિષ્નારામ કુમાર રહે-રાજસ્થાન તથા કલીનર ઉદેસીંગ નેરાવરસિંગ રાઠોડ રહે-રાજસ્થાનને ટ્રક આરટીઓ કચેરી લઇ લેવા માટે કહેતા આરોપી કુશારામએ કોઈને ફોન કરી બોલાવેલ અને પોતાની ટ્રક ગાત્રાળ પાઈપની કંપની ભારત પેટ્રોલીયમ પાસે ધરમપુરના પાટિયા પાસે રોકી દઈને એઆરટીઓ અધિકારીએ ટ્રક કચેરીએ લઇ લેવા નું કહેતા હમણાં ક્રિષ્ના ટ્રાન્સપોર્ટ વાળા વનરાજભાઈ આહીર આવે છે તેમ કહી ટ્રક રોકી દઈ આરોપી કુશારામ ક્રિષ્નારામ પ્રજાપતિ, ઉદેસીંગ દેરાવરસિંહ રાઠોડ, વનરાજભાઈ ભાનુભાઈ કવાડિયા અને ગણપતસિંગ પ્રેમસીંગ ચૌહાણએ તારાથી થઈ તે કરી લે તેમ કહી એઆરટીઓ અધિકારી અપૂર્વકુમાર પટેલની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી હોવાની ફરિયાદ નોધાઇ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)