Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

માણાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાની ઈશુદાન ગઢવીની મુલાકાતથી ગરમાવોઃ રાજકીય ઉથલપાથલના એંધાણ

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર, તા. ૩ :. માણાવદરમાં પ્રજાપતિ સમાજ ખાતે આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા યોજાય. જેમાં આપ પ્રદેશ નેતા કિશોરકાકા, ઈશુદાનભાઈ ગઢવી, સૂરત કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી, પ્રવિણભાઈ રામ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઈશુદાનભાઈ ગઢવીએ ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી. પ્રજાજનો પીસાય રહ્યા છે તેમ જણાવ્યું તથા ૨૦૨૨ અંતર્ગત સંગઠન મજબૂત બનાવી દેવા જણાવ્યુ હતું.

આ સભા પહેલા પૂર્વ પાલિકા પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા તથા 'આપ' નેતા ઈશુદાનભાઈ ગઢવી વચ્ચે મુલાકાતથી રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે કારણ કે એક સમયે કેબીનેટ મંત્રી જવાહર ચાવડાના નજીકના માણસ ગણાતા તથા ચૂંટણી જીતાડવામાં તેનો બહુમૂલ્ય ફાળો હતો. માણાવદર તાલુકા તથા શહેરની જનતા વિવિધ પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠયા છે તેથી પરિવર્તન નક્કી છે તેવી ચર્ચાએ જોર પકડયુ છે.

જૂનાગઢનો અહેવાલ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ એક સમયે કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના નજીકના ગણાતા નિર્મળસિંહ ચુડાસમાના ઘરે શુભેચ્છા મુલાકાત આપના ઈશુદાન ગઢવીએ લીધી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં માણાવદરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી ગીતાબેન મકવાણા, જેન્તીભાઈ પનારા, મુસાભાઈ સોલંકી અને સરદારગઢના સામાજીક કાર્યકર દિનેશભાઈ વાઢેર તેમજ સ્ટેશન પ્લોટ વિસ્તારના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ મુલાકાતમાં એવુ લાગે છે કે માણાવદર મત વિસ્તારના લોકસેવક અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા ટૂંક સમયમાં પોતાના હજારો કાર્યકરોને સાથે લઈને આમ આદમી પાર્ટીમાં જોડાય જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

(11:39 am IST)