Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

પ્રભાસપાટણમાં અઠવાડીયાથી નગરપાલીકા દ્વારા પાણી વિતરણમા ધાંધીયા

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૩ : છેલ્લા ૭ દિવસથી પીવાનું પાણી ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયેલ છે. મોટાભાગની વસતી ગરીબ અને મજૂર વર્ગની છે તેમજ ગીચ વસ્તી આવેલ છે જેથી મજૂર વર્ગના વિસ્તારોમાં પાણી સંગ્રહ માટે કોઇ વ્યવસ્થાઓ ન હોવાથી બે ત્રણ દિવસનો પાણી નો સ્ટોક કરી શકે છે.

આ પાણી ખાલી થાય એટલે પાણી માટે ભટકવુ પડે છે. આ શહેર દરિયાકિનારે વસેલ હોવાથી તળમાં ખારૂ પાણી હોય છે જે પીવાલાયક હોતુ નથી અને મજૂરવર્ગના લોકો પોતાના કામધંધે જતા હોવાથી પીવાના પાણીની વ્યવસ્થા કકરી શકતા નથી.

નગરપાલીકાના પૂર્વ ઉપપ્રમુખ અને પ્રભાસપાટણના રહીશ જયદેવભાઇએ જણાવેલ કે હિરણ ડેમમાં પાણીનો જથ્થો ખાલી થયેલ છે અને નર્મદાના પાણીથી ચલાવવુ પડે છે પરંતુ પાણીની લાઇન વધુ ફોર્સને કારણે તૂટી ગયેલ છે જે રીપેરીંગ માટે સતત કામગીરી શરૂ છે. લાઇન રીપેર થતાની સાથે પાણી વિતરણ કરવામાં આવશે. ૪૨ ગામની જૂથ યોજનામાંથી ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે જે ગ્રામ્ય વિસ્તારમાં પણ ૮ દિવસથી પીવાનુ પાણી આવેલ નથી.

(11:40 am IST)