Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

વાંકાનેરનાં ચંદ્રપુરમાં વારંવાર રસ્તો બંધ થઇ જતા લોકો હેરાનઃ ગટરના પાણીનો પ્રશ્ન હલ કરોઃ ચક્કાજામની ચિમકી

ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૩: વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના ગ્રામજનો દ્વારા વાંકાનેરના પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવીને વાંકાનેરના ચંદ્રપુરના ગટરના પ્રશ્ને રજુઆત કરી હતી.

તેઓએ જણાવ્યું છે કે ચંદ્રપુર ગામની જમીનમાંથી  નેશનલ હાઇવે રોડ પસાર થાય છે જે રોડ ઉપર વાંકાનેરની હદ વિસ્તાર પાસે રેલ્વે સડક આવેલ છે જે સડક માટે નાલુ બનાવેલ છે, આ નાલામાંથી હાઇવે રોડ કાઢવામાં આવેલ છે.

નેશનલ હાઇવે ઓથોરોટી દ્વારા હાઇવે ચાર માર્ગીય બનાવતી વખતે રોડની સાઇડે ચોમાસાના વરસાદી પાણીના નિકાલ માટે પાકી આરસીસીની ગટર કાઢવામાં આવેલ છે અને આ ગટર રેલ્વેના નાલા પાસેથી બંધ કરી નાખેલ છે જેના કારણે વરસાદી પાણી રોડ ઉપર બંને સાઇડે નાલામાં પાણીનો ભરાવો થાય છે ે માર્ગ રાહદારીઓ અને નાના વાહનો રીક્ષા, મોટર સાયકલ, મોટર જેવા ચાર વ્હીલવાળા વાહનોની અવર-જવર માટે થાય છે જેમાં ચોમાસામાં વરસાદી પાણી અને ગટરના ગંધાતા પાણી તેમજ ભાટીયા સોસાયટીના રહેણાંકની ગટરના ગંદા દુર્ગંધ મારતુ પાણી ભરાઇ જાય છે અને આના કારણે સ્થાનીક રહીશો વાંકાનેર શહેર વિસ્તારમાં જઇ શકતા નથી કે તેમાંથી વાહન પસાર થઇ શકતા નથી બંને સાઇડે સર્વિસ રોડના નાલામાં જ ગટરના પાણીના લીધે રસ્તા બંધ થઇ જાય છે. અવાર-નવાર દર ચોમાસામાં ગટરના પાણીને લીધે રસ્તો બંધ થઇ જતો હોય નેશનલ હાઇવે ઓથોરીટીને લેખીતમાં ગ્રામ પંચાયત ચંદ્રપુર તેમજ આમ જનતા દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

હાઇવે ઓથોરીટી દ્વારા અધુરૂ મુકેલ આરસીસી ગટરનું કામ પુરૂ કરવામાં આવતુ નથી અને ગંદા પાણી ચોમાસાના પાણીનો નિકાલ કરવામાં આવતો નથી. આ પરિસ્થિતિ ઘણી જ ભયંકર છે. ચંદ્રપુર ગામના લોકો તેમજ વાંકાનેર શહેર વિસ્તારમાંથી આવતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાનના જોખમે હાઇવે રોડના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થવુ પડે છે જે ધ્યાને લઇ હાઇવે ઓથોરીટી સત્વરે પાણીના નિકાલની વ્યવસ્થા કરે અન્યથા હાઇવે બંધ ચક્કાજામ કરવાની ફરજ પડશે. જેના પરીણામ અને ઉત્પન્ન થતા પ્રશ્નની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરીટીની રહેલી છે. જેની નોંધ લઇ દિવસ-૧૦માં સત્વરે આ કામગીરી હાથ ધરવા અને પ્રશ્નનો નિકાલ કરવા રજુઆત કરી છે.

(11:45 am IST)