Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

લોધીકા પંથકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભિતીઃ ખેડૂતોમાં ચિંતાનું મોજાુ

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૩ :.. લોધીકા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજાુ પ્રસરી ગયેલ છે તથા પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઇ રહેલ છે.

આ અંગે કિશાનોએ જણાવ્યું કે થોડા સમય પહેલા આ વિસ્તારમાં થોડા વરસાદ પડેલ એટલે ખેડૂતોએ સારા વરસાદની આશામાં મોંઘુ બિયારણ ખરીદ કરીને વાવેતર કરી દીધેલ. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોને પડયા ઉપર પાટૂ જેવી સ્થિતિ સર્જાયેલ છે. પાછલા ત્રણ-ત્રણ વર્ષ થયા તાલુકામાં અતિ કે અપુરતા વરસાદને લઇ ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે. થોડી ઘણી ઉપજ થાય છે તે મોઘા દવા-બિયારણ-ખાતર અને દેવા ભરપાઇ કરવામાં ચાલ્યા જાય છે. ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેમાં પણ આ વખતે ખાતરમાં થયેલ ભાવ વધારાએ ખેડૂતોને કફોડી સ્થિતિમાં મૂકી દીધા છે. હાલ ખેડૂતોએ કરેલ વાવેતરમાં કપાસ, મગફળીનો પાક મુરજાઇ રહયો છે. વાવેતર નિષ્ફળ જવાની નોબત આવી છે. અધુરામાં પુરૂ આ વિસ્તારનાં કિશાનો પ્રત્યે તંત્ર ઓરમાયુ વર્તન કરતુ હોય તેમ પાક નિષ્ફળ જવા છતાં પાક વિમો પણ સમયે મળતો નથી. ખેડૂતો દેવાના બોજ તળે આવી ગયેલ છે.

ખેડૂતો વિમાથી પણ વંચીત રહેલ છે જયારે નિયમ મુજબ વિમા પ્રિમીયમ પણ ભરી દેવામાં  આવે છે છતાં પ્રશ્નનો નિવેડો આવતો નથી. આ વિસ્તારમાં મોટા ડેમ - તળાવ ન હોવાથી સિંચાઇ યોજના પણ કાર્યરત ન હોવાથી ફકત વરસાદ આધારીત ખેતી હોય ખેડૂતો મુશ્કેલી ભોગવે છે તેવી રજૂઆત લોધીકાના કિશાન વિનુભાઇ ઘેટીયા,  લક્ષ્મણભાઇ સોજીત્રા, સાંગણવાના આંબાભાઇ રાખૈયા, જેતકુબાના રતિભાઇ ખૂંટ વિગેરે જણાવ્યું છે.

(11:51 am IST)