Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ર.૬૭ કરોડની છેતરપીંડી કેસમાં સંડોવાયેલ આંતર રાજય ગુન્હેગારને ઝડપી લેતી જુનાગઢ પોલીસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૩ : જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી  પાડવા માટે રાખેલ ખાસ ઝૂંબેશના ભાગરૂપે જુનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.એમ.મોરી તથા સ્ટાફના હે.કો.દેવાભાઇ, પો.કો.મુકેશભાઇ, કરણસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા મહારાષ્ટ્ર પોલીસની મદદમાં રહી, મહારષ્ટ્ર રાજયના મુંબઇ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના આશરે પોણા ત્રણ કરોડના છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ (૧) વિરલ વિજયભાઇ ડોડીયા ઉ.૪૪ રહે. શકિતધાર, શકિત સોસાયટી, શેરી નં.૧૧, સંત કબીર રોડ, રાજકોટ તથા (ર) પ્રવીણ પરસોતમભાઇ શખાવરા ઉ.૩૪ રહ.ે તિરૂપતિ પાર્ક શેરી નં.૧ મોરબી રોડ, રાજકોટને મેંદરડા નજીક આવેલ મઘુવંતી ડેમ નજીક વિરલ ડોડીયાના ફાર્મ હાઉસ ખાતેથી પકડી પાડી રાઉન્ડ અપ કરી, મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવેલ છે.

જુનાગઢ પોલીસના હાથે પકડાયેલ આરોપીઓ (૧) વિરલ વિજયભાઇ ડોડીયા ઉ.૪૪ રહે. શકિતધાર, શકિત સોસાયટી, શેરી નં. ૧૧, સંત કબીર રોડ, રાજકોટ તથા (ર) પ્રવિણ પરસોતમભાઇ શખાવરા ઉ.૩૪ રહે. તિરૂપતી પાર્ક, શેરી નં.૧, મોરબી રોડ, રાજકોટ દ્વારા મુંબઇ ખાતે રહેતા ફરીયાદી દીપક નંદલાલ સિધ્ધપુરાને સસ્તામાંં સોનું અપાવવાની લાલચ આપી સોનાની ખરીદી પેટે રૂ.ર,૬૭,૬પ,૭૧૪ રોકડા રૂપિયા લઇ, સોનું કે રૂપિયા પરત નહીં આપી રૂ.ર,૬૭,૬પ,૭૧૪, ની છેતરપીંડી કરવામાં આવતા, ફરીયાદી દ્વારા તા. રર/પ/ર૦ર૧ ના રોજ મુંબઇ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ  કરવામાં આવેલ હતી. મુંબઇ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સુદર્શન પાર્ટીલ તથા સ્ટાફને માહિતી મળેલ કે, આરોપી જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક આવેલ આરોપીના ફાર્મ હાઉસમાં છે જેથી મુંબઇ પોલીસની એક ટીમ મેંદરડા આવી, મંદરડા પોલીસની મદદ માંગતા, જુનાગઢ ડિવીઝનના ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.એમ.મોરી તથા સ્ટાફના હે.કો.દેવાભાઇ, પો.કો. મુકેશભાઇ, કરણસિંહ સહિતની પોલીસ ટીમ દ્વારા મુંબઇ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સુદર્શન પાટીલ તથા સ્ટાફને મદદમાં રહી, બન્ને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) વિરલ વિજયભાઇ ડોડીયા તથા (ર) પ્રવીણ પરસોતમભાઇ શખાવરા બન્ને મુળ રાજકોટના વતની છે અને જુનાગઢ જિલ્લામાં મેંદરડા ખાતે આરોપી વિરલ ડોડીયાનું ફાર્મ આવેલ હોઇ, ત્યાંથી પકડી પાડી, રાઉન્ડ અપ કરી મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવેલ હોઇ, મુંબઇ પોલીસ દ્વારા કબજો મેળવી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આશે.

(12:58 pm IST)