Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સાવરકુંડલા હિરા માર્કેટમાં નવી પહેલઃ દર શુક્રવારે ભરાતી માર્કેટમાં આવતા અમદાવાદ-સુરત તથા સૌરાષ્ટ્રના વેપારીઓ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૩: સાવરકુંડલા તાલુકો ખેતી પછી આર્થિક રીતે હિરા ઉદ્યોગ ઉપર જ નિર્ભર છે. શહેર અને તાલુકામાં અસંખ્ય નાના-મોટા હિરાના કારખાનાં આવેલા છે. જેમાં તૈયાર થતા હિરાની લે-વેચ સાવરકુંડલાની ડાયમંડ મારકીટમાં વર્ષોથી રેગ્યુલર થઇ રહી છે.

જેમાં ડાયમંડ મારકીટના વર્તમાન પ્રમુખ જયસુખભાઇ નાકરાણીએ એક નવી પહેલ કરી છે. સાવરકુંડલા શહેર અને તાલુકાનાં હિરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવી આ પહેલમાં સાવરકુંડલા હિરા મારકીટમાં દર શુક્રવારે મેગા મારકીટનું આયોજન કરવામાં આવે છે. અહિં દર શુક્રવારી સ્થાનિક વેપારીઓ-દલાલો સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને અમદાવાદ-વડોદરા તેમજ સુરત ખાતેનાં વેપારીઓને હિરાની ખરીદ-વેચાણ માટે આમંત્રિત કરવામાં આવે છે.

જેથી સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં હિરાના વેપારીઓ-કારખાનેદારો-દલાલો સાવરકુંડલા ડાયમંડ મારકીટમાં કાચા અને તૈયાર હિરાની ખરીદી માટે આવી રહ્યા છે અને દર શુક્રવારે ૩૦૦૦ થી ૩પ૦૦ કેરેટ હિરાની લે-વેચ થઇ રહી છે. જેનાં કારણે સારવકુંડલા પંથકના હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો-ઓફિસ મેનેજરો હિરા દલાલો ને શહેરમાં જ લે-વેચની સારી સુવિધા મળી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં એક જ કોમ્પ્લેક્ષમાં હિરાની લે-વેચ થતી હોય તેવી હિરા મારકીટ ફકત સાવરકુંડલામાં જ કાર્યરત છે.

જે કોમ્પ્લેક્ષ સીસીટીવી કેમેરાથી સજજ છે. આ ઉપરાંત દર શુક્રવારે ભરાતી મેગા મારકીટ દરમ્યાન ચુસ્ત સલામતી બંદોબસ્તની અને બહારગામથી આવતા વેપારીઓ માટે વાહન પાર્કીંગની વિશેષ સુવિધા આપવામાં આવે છે. અહિં દર શુક્રવારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં હિરાનાં વેપારીઓ ઉમટી પડતા હોય હીરા મારકીટની રોનક કંઇક ઓર જ હોય છે. દર શુક્રવારે ભરાતો મેગા મારકીટ માટે ડાયમંડ મારકીટનાં પ્રમુખ જયસુખભાઇ નાકરાણી, મંત્રી-રામજીભાઇ રાદડિયા, ડાયમંડ ઉદ્યોગના અગ્રણી કરશનભાઇ ડોબરીયા, હિમંતભાઇ લાખાણી, અલ્પેશભાઇ ડોબરીયા, મગનભાઇ રબારીકા, જયંતિભાઇ કળથીયા, વિજયભાઇ પતરા, સાગરભાઇ દામનગરવાળા, કિશનભાઇ સગર, પરેશભાઇ, મનોજભાઇ, વગેરે મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:59 pm IST)