Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગોંડલ સંપ્રદાયના ગુરૂણી મૈયા

પૂ. ઇન્દુબાઇ મ.સ.નો બુધવારે નવમો પૂણ્ય સ્મૃતિ દિનઃ જીવદયા, માનવ સેવા તથા ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે

નાલંદા તીર્થધામ ખાતે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે તા. ૭ ના સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી અનેક વિવિધ વૈરાગ્ય પ્રેરક કાર્યક્રમો

ગોંડલ, તા. ૩ : ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર સિંહણના ઉપનામથી વિશ્ચમાં સુવિખ્યાત બનેલા તીથૅ સ્વરૂપા સાધ્વી રત્ના પૂ.ઈન્દુબાઈ મ.સ.ની તા. ૭ ના ૯ મી પૂણ્ય તિથી છે.

શરદ પૂનમના પવિત્ર દિવસે તા.૧૪/૧૦/૧૯૩૨ ના કાલાવડની ધન્ય ધરા ઉપર રત્નકુક્ષિણી માતુશ્રી ચંપાબેન તથા પુણ્યવંત પિતાશ્રી પ્રાણજીવનભાઈ પટેલ  (જૈન ) પરિવારમાં  પૂ.ઈન્દુબાઈ મ.સ.નો જન્મ થયેલ. અષ્ટ મંગલ સમાન ચાર ભાઈઓ અને ચાર બહેનોમાં પૂ.ઈન્દુબાઈ સ્વામી સૌથી મોટા હતાં. જામનગરના પૂવૅ મેયર લીલાધરભાઈ પટેલ પૂ.સ્વામીના લઘુબાંધવ હતા. મહા સુદ તેરસ ૧૯/૨/૫૧ ના શુભ દિવસે કાલાવડની પાવન ભૂમિ ઉપર દોમ દોમ સાહેબી અને સુખોને એક જ ઝાટકે છોડી પ્રભુ મહાવીરના ત્યાગ માર્ગનો પંથ પસંદ કરી સૌને ચોકાવી દિધેલ. દીક્ષાને દિવસે સૌના મુખ ઉપર શબ્દો હતાં... કે આ આત્મા કાલાવડનું કોહિનૂર બની જિન શાસનની આન,બાન અને શાન વધારશે,જે શબ્દો અક્ષરસઃ સાચા પૂરવાર થયા.

પૂ.ઈન્દુબાઈ મસ.ની દેહાકૃતિ પણ દેવાંગના જેવી સંસારમાં હતાં ત્યારે તેઓની અદા અને અદબ અજબગજબની હતી. સંયમ અંગીકાર કર્યા બાદ યાવત્ જીવન તેઓ ખૂમારીથી અને જિનાજ્ઞા મુજબ જીવ્યા. જિન શાસન અને ગોંડલ સંપ્રદાય ઉપર તેઓનો અસીમ ઉપકાર રહેલો છે. તેઓની આભા,ઓરા અને પ્રતિભા અન્યથી અનોખી હતી.જયારે પણ જુઓ ત્યારે એક હાથમાં માળા હોય, મન મહાવીરની મસ્તીમાં મસ્ત હોય. તેઓ સદા સાધકની નૈર્સગિંક પ્રતિભા અને સ્વાભાવિક જોશ સાથે જોવા મળતાં. તેઓ નિર્મોહી, નિરાભિમાની અને નિરાળા હતાં. તેઓના આધ્યાત્મિક વિચારોએ પ્રજા ઘડતરનું ઉમદા કાર્ય કર્યું છે. દાન ધર્મની તેઓની પ્રેરણાથી ગોંડલ ગાદીનો ઉપાશ્રય,રાજકોટ નેમિનાથ - વીતરાગ ઉપાશ્રય,ગીત ગૂર્જરી આયંબિલ ભવન,નાલંદા ઉપાશ્રય,નાગેશ્વર ઉપાશ્રય, મણપર ( કાલાવડ ) સહિત અનેક શાતાકારી ધમૅ સંકુલોનું નિર્માણ થયું.

 પૂ.ઈન્દુબાઈ મ.સ.ના સંસ્મરણો પૂ.રંજનજી મ.સ.,પૂ.સોનલજી મ.સ.પાસે શ્રવણ કરીએ તો એક અદભૂત શકિત સંચારની અનુભૂતિ થયા વગર રહે નહીં. તેઓની નિખાલસતા સો ટચની હતી,તેથી જ એમને હૈયે એ જ હોઠે આવતું. તેઓ દરેકને ઉત્સાહની પાંખો આપી દિવ્ય અનુભૂતિ કરાવતા.તેઓને જિન શાસન પ્રત્યે અડોલ અને અજોડ શ્રદ્ધા હતી. વગર માઈકે હજારોની મેદની વચ્ચે જોમ - જુસ્સા સાથે તેઓ જિનવાણી પીરસતા. ગોંડલ ગાદીના ઉપાશ્રય લોકાર્પણના શુભ દિવસે લગભગ ૧૦૮ સંઘો તથા હજારો ભાવિકોની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ.ઈન્દુબાઈ મ.સ.ની શૌર્યતા,નીડરતા, સાહસ વગેરે નિહાળી સૌરાષ્ટ્ર સિંહણનું બિરુદ તા.૭/૧૦/૧૯૮૪ ના રોજ આપી નવાજવામાં આવેલ. લાખો લોકોના આસ્થા અને શ્રદ્ધાનું તેઓ કેન્દ્ર બની ગયા હતા. મનોજ ડેલીવાળા કહે છે કે અનેક ધુરંધર સુશ્રાવકો રતિભાઈ ગોડા, ઝનુભાઈ ઝાટકીયા, ભગવાનજીભાઈ વારિયા, નગીનભાઈ વિરાણી, જગદીશભાઈ શેઠ, નરભેરામભાઈ પાનાચંદ મહેતા સહિત અનેક  શ્રેષ્ઠિવર્યો પણ પૂ.ઈન્દુબાઈ મ.સ.પાસે અવાર - નવાર ધર્મ ચર્ચા કરવા અને માર્ગદર્શન મેળવવા માટે આવતા.અનેકના સંપર્કમાં આવવા છતાં તેઓ સ્વની સાધના અને સ્વાધ્યાયમાં મસ્ત રહેતાં. ભાવિકો આજે પણ તેઓનું સ્મરણ કરતાં કહે છે કે પૂ.ઈન્દુબાઈ મ.સ.ના દશૅન - વંદન કરતાં જ દિવસ ધન્ય બની જતો.સુશ્રાવકો કહેતા કે પૂ.ઈન્દુબાઈ મ.સ.સાધુ હાડાના સાધ્વીજી હતાં.

સમાજમાં કોઈ ઘટના ઘટે ત્યારે પૂ..ઈન્દુબાઈ મ.સ.ની પ્રતિક્રિયા પણ આંતરખોજ કરવા પ્રેરે તેવી રહેતી.

તેઓ વારંવાર કહેતા કે મરણનો ભય પ્રભુ સ્મરણથી મટી જાય.તેઓ એક શાયરી વારંવાર ઉચ્ચારતા કે એક અવગુણ આપડુ, બગાડે આખું અંગ,ર્ં

ચપટી હળદર નાખતા, જેમ ખીચડીનો રંગ. તેઓ શ્રેષ્ઠ વકતા સાથે સુંદર વ્યકિતત્વ ધરાવતા હતાં. પ્રવચનમાં તેઓ કહેતાં કે માત્ર બોલીને નહીં પરંતુ સાધુએ એ પ્રમાણે જીવન જીવવાનું હોય છે.

તેઓના પ્રવચનમાંથી જ શ્રોતાઓને તેઓના અસલ મિજાજની ઝાખી થતી.તા.૭/૭/૨૦૧૨ ના રાજકોટ નાલંદા ઉપાશ્રયે પૂ.ઈન્દુબાઈ મ.સ.એ સમાધિભાવે ચાર શરણાના સ્વીકાર સાથે કાળધર્મ પામેલ.

ગોંડલ સંપ્રદાયના ગુરુણી મૈયા પૂ.ઈન્દુબાઈ મ.સ.ની તા.૭ ના રોજ નવમી પૂણ્ય સ્મૃતિ દિન અવસરે જીવદયા, માનવ સેવા તથા ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન થશે તેમ નાલંદા સંઘની યાદીમાં જણાવાયું છે. જેમાં માનવતા મહોત્સવ

સવારે - ૭ થી ૯ સોનલ સદાવ્રત (માનવ રાહત વિતરણ), જીવદયા મહોત્સવ

સવારે- ૯ થી ૧૧, દર્શન વંદન અને પ્રભાવના મહોત્સવ

સવારે - ૧૧ થી ૧૨.૩૦ યોજાશે.

(3:16 pm IST)